ભાવનગર શહેરમાં ઓનલાઈન લગ્નની જાહેરાત દ્વારા એક યુવક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. ફેસબુક પર સામૂહિક લગ્નની રીલ જોઈને યુવક ઠગની જાળમાં ફસાયો હતો અને તેને લગ્નની લાલચ આપીને પૈસા પડાવવામાં આવ્યા હતા.
મહુવાના દેવળિયા ગામના યુવકને ફેસબુક પર હિન્દીમાં લખેલી સામૂહિક વિવાહની રીલ જોઈને લગ્નની ઈચ્છા થઈ હતી. આ રીલ જોયા બાદ ઠગોએ યુવતીનો ફોટો મોકલીને યુવક સાથે લગ્ન નક્કી કરાવ્યા હતા. થોડા સમય બાદ ઠગોએ યુવકનો સંપર્ક કરીને કહ્યું કે યુવતીના દાદીનું અવસાન થયું છે, તેથી લગ્નની તારીખ મુલતવી રાખવી પડશે. આરોપીઓએ યુવકને દાદીના મૃત્યુના ફોટો અને વીડિયો પણ મોકલ્યા હતા અને નવી તારીખ આપવાની વાત કરી હતી.
ત્યારબાદ આરોપીએ રજિસ્ટ્રેશન, લગ્નના કપડાં અને મંડપના ખર્ચના નામે યુવક પાસેથી કુલ 3.48 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે બગદાણા પોલીસ સ્ટેશનમાં નિતીનસિંહ જંગ અને સુનીતા તિવારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓને પકડી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.