ભાવનગર શહેરમાં શારદીય નવરાત્રી મહોત્સવનું સમાપન 20 ઓક્ટોબરે વિજયાદશમી સાથે થશે. આ અવસરે વિવિધ જ્ઞાતિ-સમાજના આરાધ્યદેવી અને કુળદેવી માતાજીના મંદિરો અને મઢમાં હોમાત્મક હવન, નૈવેદ્ય અને અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે.
આ વખતે આસો સુદ આઠમ 18 ઓક્ટોબરે રવિવારે અને આસો સુદ નોમ 19 ઓક્ટોબરે સોમવારે આવતી હોવાથી ભક્તોમાં અષ્ટમી અને નોમની તારીખ અંગે દ્વિધા પ્રવર્તી રહી છે. કેટલાક ધર્મસ્થાનકોમાં 18મીએ અષ્ટમી અને અન્ય મંદિરોમાં 19મીએ નોમના મહાપર્વે હવન યોજીને માતાજીને વિદાય અપાશે.
ભાવનગર શહેર અને જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. શેરી, મહોલ્લા, સાર્વજનિક સર્કલો, કોમન પ્લોટ, પાર્ટી પ્લોટ, જ્ઞાતિ-સમાજની વાડી, બોડગ અને છાત્રાલયો ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ અને માઈ મંદિરોના પરિસરમાં ડીજે અને ઓરકેસ્ટ્રાના સંગાથે દાંડિયારાસ થઈ રહ્યા છે. આબાલવૃદ્ધ ખેલૈયાઓ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. અનેક સ્થળોએ પ્રાચીન ગરબી, બેઠા ગરબા, ભવાઈ અને નાટક સહિતના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે.
માઈમંદિરોમાં માતાજીને વિશેષ શણગાર અને સુશોભન કરાશે. ભક્તો માટે આ દિવસોમાં દર્શન અને પૂજા-અર્ચનાની વિશેષ વ્યવસ્થા રહેશે.