સત્ય. સાહસ. સંકલ્પ.

ભાવનગરના યુવકની મહારાષ્ટ્રમાં 1700 ફૂટ ખીણમાં આત્મહત્યા, પહેલા વીડિયોમાં કહી પત્ની-સાસરિયા પર ત્રાસની વાત

ભાવનગરના યુવકની મહારાષ્ટ્રમાં 1700 ફૂટ ખીણમાં આત્મહત્યા, પહેલા વીડિયોમાં કહી પત્ની-સાસરિયા પર ત્રાસની વાત

ભાવનગરના ટીંબા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા વિશ્વરાજસિંહ ગોહિલે મહારાષ્ટ્રના કોંકણકડા પર્વત પરથી 1700 ફૂટ ઊંડી ખીણમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી પરિવાર અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

તપાસમાં સામે આવ્યું છે કે વિશ્વરાજસિંહના લગ્ન આ જ વર્ષે 8 ફેબ્રુઆરી 2026ના રોજ થયા હતા. લગ્નના આઠ મહિનામાં જ દંપતી વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. મૃતકે 12 સપ્ટેમ્બરના રોજ ઘરગથ્થુ હિંસા અને માનસિક ત્રાસ અંગે પોલીસમાં અરજી કરી હતી. ત્યારબાદ 9 ઓક્ટોબરના રોજ કોર્ટમાં હાજરી આપ્યા બાદ તેઓ ઘરેથી નીકળી ગયા હતા.

જીવનનો અંત આણતા પહેલાં વિશ્વરાજસિંહે 13 મિનિટનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે પત્ની અને સાસરિયા પક્ષ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસ અને સતામણી વિશે ખુલીને વાત કરી હતી. વીડિયોમાં તેમણે સ્ત્રીઓના રક્ષણ માટેના કાયદાનો દુરુપયોગ થતો હોવાની વ્યથા પણ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કાયદો સ્ત્રી અને પુરુષ બંને માટે સમાન હોવો જોઈએ અને કાયદાનો દુરુપયોગ કેટલાક પુરુષોની જિંદગી લઈ લે છે.

ઘટના બાદ વાયરલ થયેલા આ વીડિયોના આધારે ભાવનગરની નિલમબાગ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.