ભાવનગર જિલ્લાના મહુવામાં દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડવા ગયેલી ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમ પર હુમલો થયો છે. મહુવાના ગાંધીબાગ વિસ્તાર નજીક થયેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ મહુવા પોલીસે બુટલેગર લાલજી બોઘાની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, દરોડા દરમિયાન એક મહિલાએ વિજિલન્સના અધિકારીનો કાંઠલો પકડીને તેમને રૂમમાં લઈ જઈ માર માર્યો હોવાનો આક્ષેપ છે. વાયરલ વીડિયોમાં અધિકારી પોતાને છોડી દેવા વિનંતી કરતા સંભળાય છે. હુમલા બાદ વિજિલન્સના અધિકારીઓને છોડી મૂકવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
આ ઘટના બાદ બુટલેગર લાલજી બોઘાનો બીજો વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં તે મહુવા પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરતો અને PSIની હાજરીમાં પોલીસ કર્મચારીઓ સાથે દાદાગીરી કરતો હોવાનો આક્ષેપ છે. આ વીડિયોમાં તે પોલીસને પડકાર ફેંકતા શબ્દો બોલતો હોવાનું પણ સામે આવ્યું છે.
મહુવા ટાઉન પોલીસના PI સહિતનો પોલીસ કાફલો બોઘાના ઘરે પહોંચ્યો હતો અને તેને ઝડપી લીધો હતો. સ્ટેટ વિજિલન્સ દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરાઈ હોવાનું જાણવા મળે છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની અલગ-અલગ રેડ દરમિયાન દેશી દારૂ બનાવવા માટે વપરાતી સાધનસામગ્રી મળી આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
આ ઘટનાઓ બાદ મહુવા તાલુકામાં દેશી દારૂના ગેરકાયદે ધંધા સામે સ્થાનિક પોલીસ કેટલી અસરકારક કાર્યવાહી કરે છે અને આવા અડ્ડાઓ પર અંકુશ લાવવા શું પગલાં લેવાય છે, તેવા સવાલો ઊભા થયા છે. પોલીસ તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.