સત્ય. સાહસ. સંકલ્પ.

ભાવનગર: મહુવામાં વિજિલન્સ ટીમ પર હુમલો, લિસ્ટેડ બુટલેગરની ધરપકડ

ભાવનગર: મહુવામાં વિજિલન્સ ટીમ પર હુમલો, લિસ્ટેડ બુટલેગરની ધરપકડ

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગાંધીબાગ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરે વિજિલન્સ ટીમના પોલીસકર્મીને માર માર્યાની ઘટના સામે આવી છે. ગાંધીનગર વિજિલન્સની ટીમ તપાસ માટે લિસ્ટેડ બુટલેગર લાલજી બોઘાના ઘરે ગઈ હતી. તે વખતે પરિવારની મહિલાની છેડતી કરવાનો આરોપ લગાવીને બુટલેગર અને તેના પરિવારજનોએ પોલીસકર્મીને માર માર્યો હોવાનું જાણવા મળે છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં પહેલા જાહેરમાં અને પછી ઘરમાં લઈ જઈને પોલીસકર્મીને માર મારતા જોઈ શકાય છે. જોકે, મહિલાની છેડતીના બુટલેગરના આરોપથી વિપરીત એક બીજો વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં મહિલા પોતે દારૂનો નાશ કરતી અને ત્યારબાદ પોતાના કપડાં ફાડતી જોવા મળે છે.

વિજિલન્સ ટીમ પર હુમલો કર્યા બાદ લિસ્ટેડ બુટલેગર લાલજી બોઘાએ મહુવા પોલીસ સાથે પણ દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની હાજરીમાં જ તેમણે પોલીસકર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરીને ધાકધમકી આપી હોવાનું જાણવા મળે છે. આ પછી મહુવા પોલીસે બુટલેગર લાલજી બોઘાની ધરપકડ કરી છે.

તપાસ દરમિયાન બુટલેગરના ઘરમાંથી દેશી દારૂ બનાવવાની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને એસએમસી (SMC)ના પોલીસકર્મીએ મહુવા પોલીસ સ્ટેશનમાં બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.