ભાવનગરના એસ.ટી. બસ સ્ટેન્ડ પર એક મહિલાની જાહેરમાં હત્યાના કિસ્સાએ ચકચાર મચાવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કાજલબેન બારૈયા અને ફૈઝલ ઉર્ફે ખાટકી લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે નિયમિત ઝઘડા થતા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, એસ.ટી. બસ સ્ટેન્ડ પર ફૈઝલે કાજલબેન પર જીવલેણ હુમલો કર્યો, જેમાં તેમનું મોત થયું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હુમલો લગભગ સાત મિનિટ સુધી ચાલ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના સમયે ઘણા લોકો હાજર હોવા છતાં કોઈએ મહિલાને મદદ ન કરી એ સવાલ ઉઠી રહ્યો છે. આ ઘટના પછી એસ.ટી. બસ સ્ટેન્ડની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો થઈ રહ્યા છે. જાહેર સ્થળે આટલા લાંબા સમય સુધી હુમલો ચાલુ રહ્યો, ત્યારે પોલીસ ક્યાં હતી તે અંગે ચર્ચા થઈ રહી છે.
આ મામલે એસ.ટી. ડેપો મેનેજરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમણે વાત કર્યા વગર ફોન કાપી નાખ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.