સત્ય. સાહસ. સંકલ્પ.

ભાવનગરમાં કાજલ બારૈયા હત્યા કેસ: આરોપી ફૈઝલને આજીવન કેદની સજા

ભાવનગરમાં કાજલ બારૈયા હત્યા કેસ: આરોપી ફૈઝલને આજીવન કેદની સજા

ભાવનગરમાં ચર્ચાસ્પદ બનેલા કાજલ બારૈયા હત્યા કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. 4 સપ્ટેમ્બર, 2026ના રોજ એસટી બસ સ્ટેન્ડ ખાતે કાજલ બારૈયાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં એટલે કે માત્ર એક મહિનાની અંદર જ ચાર્જશીટ ફાઈલ કરી હતી. ઘટના બન્યાના માત્ર 62 દિવસમાં જ કોર્ટે ઝડપી કાર્યવાહી કરીને આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીને દોષિત ઠેરવીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે.

તમને જણાવી દઈએ કે, 4 સપ્ટેમ્બરના રોજ ભાવનગરના ST બસ સ્ટેન્ડ પર જાહેરમાં કાજલ બારૈયાની નિર્મમ હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. ફૈઝલ ઉર્ફે ખાટકીએ કાજલબેન બારૈયા પર જાહેરમાં હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના ST સ્ટેન્ડના CCTV કેમેરામાં કેદ થઈ હતી. કાજલ બારૈયા અને ફૈઝલ ઉર્ફે ખાટકી લાંબા સમયથી મૈત્રી કરારમાં રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

7 મિનિટ સુધી ચાલ્યો હુમલો

ભાવનગર એસટી બસ સ્ટેશનમાં માનવતાને અને સંબંધોને શર્મસાર કરતી ઘટના બની હતી. નોંધનિય છે કે, છેલ્લા કેટલાક સમયથી કાજલ અને ફૈઝલ બંને મૈત્રી કરારમાં સાથે રહેતા હતા. લિવ ઇન રિલેશનશિપમા રહેતા આ સંબંધનો વધુ એક કરૂણ અંજામ આવતી ઘટના બની. ફૈઝલે લગભગ 7 મિનિટ સુધી જીવલેણ હુમલો કર્યો અને જાહેરમાં હત્યા કરી દીધી. માનવતા શર્મશાર ત્યાં થાય છે, જ્યાં અનેક લોકો હતા પરંતુ કોઇ મહિલાની સહાયે કે મદદે ન આવ્યું અને 7 મિનિટ સુધી થતો આ ખુની ખેલ લોકો મૂકદર્શક બનીને જોતા રહયાં.

પોલીસે કરી હતી જાહેરમાં સરભરા, ગેનીબેને આપ્યા હતા અભિનંદન

તો બીજી તરફ આ હત્યા કેસમાં કાયદો અને વ્યવસ્થા જાળવીને ઝડપી કાર્યવાહી કરવા બદલ કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ભાવનગર પોલીસ અને PI ડી.પી.ઉનડકટની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ ઘટનાને અત્યંત હૃદયદ્રાવક ગણાવીને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા આરોપી ફૈઝલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરી હતી.

ભાવનગરમાં બનેલી કાજલ બારૈયા હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હતી. આ કેસના મુખ્ય આરોપી ફૈઝલને પકડ્યા બાદ પોલીસે તેની જાહેરમાં સરભરા કરી હતી, જેમાં પોલીસે માત્ર 10 મિનિટના સમયગાળામાં આરોપીને 100થી વધુ ડંડા ફટકારીને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસની આ આકરા વલણવાળી કામગીરીથી સમાજમાં અપરાધીઓ સામે સખત સંદેશ ગયો. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસની આ ત્વરિત અને સરાહનીય કામગીરીને જાહેરમાં બિરદાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવા નરાધમો સામે ઉદાહરણરૂપ કાનૂની કાર્યવાહી થવી જરૂરી છે, જેથી સમાજમાં કોઈ પણ વ્યક્તિ ફરી આવું જઘન્ય કૃત્ય કરવાની હિંમત ન કરે.