સત્ય. સાહસ. સંકલ્પ.

ભાવનગર સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ગરમ શહેર

ભાવનગર સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ગરમ શહેર

ભાવનગર શહેરે સતત બીજા દિવસે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ 36.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બનવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. કંડલામાં 35.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયા બાદ તે બીજા ક્રમે રહ્યું છે.

રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં સરેરાશ 16 ટકા જેટલો વરસાદ ઓછો પડ્યો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ 37 ટકાની ઘટ નોંધાઈ છે, જ્યારે અમદાવાદમાં 4 ટકાની ઘટ જોવા મળી છે. કાગડોળે વરસાદની રાહ જોતા ખેડૂતોના પાક સૂકાવાની શક્યતા વધી છે અને સામાન્ય લોકોને પણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 8થી 9 દિવસ દરમિયાન રાજ્યના તાપમાન અને વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. આ દરમિયાન ગુજરાત તથા દાદરા નગર હવેલી અને દમણ-દીવ સહિતના સંઘપ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આગામી સાત દિવસ દરમિયાન સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. હાલ કોઈ પણ જિલ્લા માટે ભારે વરસાદની ચેતવણી કે એલર્ટ જારી કરવામાં આવ્યું નથી.

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 33.8 અને લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 1 જૂનથી અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 595.7 મીમી વરસાદ નોંધાયો છે.