સત્ય. સાહસ. સંકલ્પ.

ભાવનગરમાં હોટલ-રેસ્ટોરન્ટના કિચનમાં CCTV ફરજિયાત, ડાઇનિંગ હોલમાં દેખાશે લાઇવ પ્રસારણ

ભાવનગરમાં હોટલ-રેસ્ટોરન્ટના કિચનમાં CCTV ફરજિયાત, ડાઇનિંગ હોલમાં દેખાશે લાઇવ પ્રસારણ

ભાવનગર જિલ્લા કલેક્ટરે તમામ હોટલ અને રેસ્ટોરન્ટ માટે નવો આદેશ જાહેર કર્યો છે. હવે રસોડામાં CCTV કેમેરા લગાવવો ફરજિયાત રહેશે અને તેનું લાઇવ પ્રસારણ ડાઇનિંગ હોલમાં ગ્રાહકોને દેખાય તેવી વ્યવસ્થા કરવી પડશે. આ નિર્ણયનો હેતુ ખોરાકની સ્વચ્છતા અને ગુણવત્તા અંગે ગ્રાહકોમાં વિશ્વાસ વધારવાનો છે.

અનેક ફરિયાદો એવી આવી રહી હતી કે હોટલોમાં ઊંચા ભાવ વસૂલાય છે, પણ સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થતું નથી. આ પગલાથી ગ્રાહકોને ખાતરી થશે કે જે ખોરાક પરોસવામાં આવે છે તે સ્વચ્છ રીતે તૈયાર થયો છે.

નવા નિયમ મુજબ, તમામ હોટલ-રેસ્ટોરન્ટને 30 દિવસમાં આ સિસ્ટમ કાર્યરત કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ 15 દિવસનું CCTV ફૂટેજ બેકઅપમાં રાખવું ફરજિયાત રહેશે. નિયમનો ભંગ કરનાર સંચાલક સામે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ નિર્ણયને ગ્રાહકોએ આવકાર્યો છે. તેમનું કહેવું છે કે આનાથી ખાનપાન પ્રત્યે વિશ્વાસ વધશે. બીજી તરફ, ભાવનગર હોટલ-રેસ્ટોરન્ટ એસોસિયેશને પણ નિર્ણયનું સ્વાગત કર્યું છે, પરંતુ રજૂઆત કરી છે કે ભાવનગર અમદાવાદ કે રાજકોટ કરતાં નાનું શહેર છે, અહીં વેપાર મર્યાદિત છે. તેથી અમલવારીમાં સ્થાનિક વેપારીઓને થોડો સમય કે રાહત આપવામાં આવે.

લાઇવ કિચન ફીડથી ગ્રાહકો ડાઇનિંગ હોલમાં બેઠા બેઠા રસોડાની પ્રવૃત્તિ જોઈ શકશે. આનાથી ખોરાકની સ્વચ્છતા અને સ્ટાફની કામગીરી પર સીધી નજર રહેશે. ઉપરાંત, પાર્કિંગમાં વાહનોની સુરક્ષા, ચેક-ઇન/ચેક-આઉટ, લિફ્ટ અને કેશ કાઉન્ટર પર થતી લેવડ-દેવડમાં ગેરરીતિ અટકાવવા માટે પણ CCTV મદદરૂપ થશે.