સત્ય. સાહસ. સંકલ્પ.

ભાવનગરમાં હનીટ્રેપ: ફેસબુક મિત્રતા બાદ સાળંગપુર દર્શનના બહાને વેપારી પાસેથી 3.05 લાખ પડાવ્યા

ભાવનગરમાં હનીટ્રેપ: ફેસબુક મિત્રતા બાદ સાળંગપુર દર્શનના બહાને વેપારી પાસેથી 3.05 લાખ પડાવ્યા

ભાવનગરમાં હનીટ્રેપ દ્વારા એક વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઈમ બ્રાંચે આ કેસમાં કાર્યવાહી કરી છે. ઘટના મુજબ, એક યુવતીએ ફેસબુક પર વેપારી સાથે મિત્રતા કરી અને તેને સાળંગપુર દર્શન માટે લઈ ગઈ. દર્શનથી પરત ફરતી વખતે અન્ય આરોપીઓએ રસ્તામાં વેપારીની કાર રોકી.

આરોપીઓએ પોતાની ઓળખ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્ટાફ તરીકે આપી અને વેપારીને ડ્રગ્સ અને ગાંજાના કૌભાંડમાં સંકળાયેલા હોવાનો તથા છોકરીને ભગાડી જવાનો ખોટો આરોપ મૂક્યો. આરોપીઓએ તેમને એન્કાઉન્ટર કરવાની ધમકી પણ આપી. શરૂઆતમાં રૂ. 7થી 8 લાખની માગણી કરવામાં આવી હતી, બાદમાં તોડબાજી કરીને વેપારી પાસેથી બળજબરીપૂર્વક રૂ. 3.05 લાખ પડાવી લેવામાં આવ્યા હતા.

પીડિત વેપારીએ બોરતળાવ પોલીસ મથકમાં આ મામલે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં ગેંગની મહિલા સભ્યનો પણ સમાવેશ થાય છે. પોલીસે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ શરૂ કરી છે.

ઝડપાયેલા આરોપીઓ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરૂભાઇ લાઠીયા વિરુદ્ધ બગદાણા, સુરત, અમદાવાદ ગ્રામ્ય, આણંદ તારાપુર અને અમરેલીમાં તેમજ રાજેશ ભીખાભાઇ કાથરોટીયા વિરુદ્ધ સુરત અને અમરેલીમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પી.ડી. ઝાલાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, પકડાયેલી મહિલા વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં અગાઉ હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને આ મહિલા સહિતની સમગ્ર ટોળકી અગાઉ પણ અનેક લોકોને હનીટ્રેપમાં ફસાવી ચૂકી છે.