ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે આવેલી સેન્ટ મેરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક વિદ્યાર્થીનીના નામે નકલી લવ લેટર ફરતું થતાં વિવાદ સર્જાયો છે. આ લેટરમાં તેનું નામ લખેલું હોવા છતાં લખાણ અને હસ્તાક્ષર તેની દીકરીના હાથના અક્ષરો સાથે મેળ ખાતા નથી, તેવો આક્ષેપ વિદ્યાર્થીનીના વાલીએ કર્યો છે.
વાલીએ ઘોઘારોડ પોલીસ મથકમાં પાંચ સગીર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં શાળામાં નોકરી કરતા એક શિક્ષિકાના પુત્રનો પણ સમાવેશ થાય છે. વાલીના જણાવ્યા મુજબ, લેટર ફરતું કરનારા સગીરો તેમની દીકરીને ઓળખતા નથી, છતાં વર્ગના અન્ય વિદ્યાર્થીઓ આ પત્રના આધારે દીકરીની મજાક ઉડાવતા હોવાથી તેને માનસિક ત્રાસ સહન કરવો પડી રહ્યો છે.
બીજી તરફ, શાળાના ફાધરે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં આ લેટર ટ્યુશન ક્લાસમાંથી અલગ-અલગ વિદ્યાર્થીઓ મારફતે શાળા સુધી પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળા મેનેજમેન્ટે એક ખાસ તપાસ કમિટી રચી છે. કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર વિદ્યાર્થીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ શાળાએ જણાવ્યું છે.
ઘોઘારોડ પોલીસે વાલીની ફરિયાદના આધારે પાંચેય સગીર વિદ્યાર્થીઓ સામે BNS એક્ટ 75(3) અને પોક્સો એક્ટ 12 હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.