ભાવનગરમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પકડાયા બાદ પોલીસ તપાસમાં ગંભીર ખુલાસા થયા છે. શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી રેલવે કોલોનીના સરકારી ક્વાર્ટરમાં આ ગેરકાયદેસર યુનિટ ચાલતું હતું. બોરતળાવ ડી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના આધારે એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી. અત્યાર સુધીમાં 10 શખ્સોની સંડોવણી ખુલી છે.
તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે મુખ્ય આરોપી અક્ષયરાજસિંહ ગોહિલે બજારમાં નકલી વિદેશી દારૂની 500 પેટી વેચી છે. આ દારૂ કેમિકલના ઉપયોગથી બનાવવામાં આવતો હતો. જોકે, અગાઉ થયેલા લઠ્ઠાકાંડમાં મોતના બનાવો સામે આવ્યા બાદ પકડાઈ જવાના ડરથી આ કેમિકલનો નાશ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં આ કૌભાંડના તાર મોરબી અને રાજસ્થાન સુધી જોડાયેલા હોવાનું ખૂલ્યું છે. મુખ્ય આરોપી અક્ષયરાજસિંહનો સંપર્ક મોરબીમાં રહેતા તેના બનેવી રામદેવસિંહ ઝાલા મારફતે ડુપ્લીકેટ દારૂ બનાવનારાઓ સાથે થયો હતો. રાજસ્થાનના અજીતસિંહ ઉર્ફે બન્ના રાઠોડે દારૂ બનાવવા માટે જરૂરી સ્ટીકર, ચપટા અને મશીનરી સહિતની સાધનસામગ્રી પાર્સલ મારફતે ભાવનગર મોકલાવી હતી. રાજસ્થાનથી સૂર્યપ્રતાપસિંહ નામનો શખ્સ ભાવનગર આવીને દારૂ બનાવતો હતો, જ્યારે જીતેન્દ્ર ખાવડીયા સાધનસામગ્રીની દેખરેખ રાખતો અને વિજય ઉર્ફે મયંક મકવાણા સ્થાનિક બુટલેગરો (શક્તિસિંહ, ભાવેશ અને શરદ) સુધી દારૂ પહોંચાડતો હતો.
આ કેસમાં પોલીસે કુલ 10 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓમાં અક્ષય રાજસિંહ ગોહિલ (મુખ્ય આરોપી), વિજય ઉર્ફે મયંક મકવાણા અને જીતેન્દ્ર ખાવડીયાનો સમાવેશ થાય છે. ફરાર 7 આરોપીઓમાં અજીતસિંહ ઉર્ફે બન્ના રાઠોડ (રાજસ્થાન), રામદેવસિંહ ઝાલા (મોરબી), અર્જુનસિંહ સોઢા (રાજસ્થાન), સૂર્યપ્રતાપસિંહ રાઠોડ (રાજસ્થાન), શક્તિસિંહ રાયજાદા, ભાવેશ સોલંકી અને શરદ ઉર્ફે લીંબા ચાવડાના નામ છે. પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે 18 સપ્ટેમ્બર સુધીના (5 દિવસના) રિમાન્ડ મંજૂર કર્યા છે.
લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના બાદ પણ શહેરમાં આવું મોટું નેટવર્ક ચાલતું હોવાથી પોલીસની કામગીરી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હવે જોવાનું એ છે કે રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં અન્ય કેટલા લોકોના નામ ખૂલે છે અને પોલીસ આ નેટવર્કના મૂળ સુધી પહોંચવામાં કેટલી સફળ રહે છે.