સત્ય. સાહસ. સંકલ્પ.

ભાવનગરમાં બપોરે 37 ડિગ્રી તાપ, સવારે ઠંડક: એક જ દિવસમાં બે ઋતુનો અનુભવ

ભાવનગરમાં બપોરે 37 ડિગ્રી તાપ, સવારે ઠંડક: એક જ દિવસમાં બે ઋતુનો અનુભવ

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને શિયાળાના પ્રારંભની ઘડીઓ ગણાઈ રહી છે. આ વચ્ચે ભાવનગરમાં વાતાવરણમાં મોટા ઉતાર-ચડાવ જોવા મળી રહ્યા છે. શહેરમાં છેલ્લા પાંચ-છ દિવસથી દિવસ દરમિયાન કડક તડકો અને ગરમીનો માહોલ રહે છે, જ્યારે રાત અને સવારે વાતાવરણમાં હળવી ઠંડક સાથે ભેજ વર્તાય છે.

હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા એક અઠવાડિયાથી દિવસનું મહત્તમ તાપમાન 36થી 37 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સ્થિર રહ્યું છે. બપોરના સમયે તડકાને કારણે લોકો ગરમી અને બફારાથી અકળામણ અનુભવે છે. બીજી તરફ લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાતા રાત્રે અને વહેલી સવારે વાતાવરણ આહલાદક બની જાય છે.

21 ઓક્ટોબરે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 57 ટકા થતાં સવારે હળવી ઠંડક સાથે ભેજ વર્તાયો હતો, જ્યારે પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.

છેલ્લા પાંચ દિવસના તાપમાનનો પારો આ પ્રમાણે રહ્યો:

16 ઓક્ટોબરે મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી, લઘુત્તમ 26.4 ડિગ્રી, ભેજ 41 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.

17 ઓક્ટોબરે મહત્તમ 36.7 ડિગ્રી, લઘુત્તમ 25.8 ડિગ્રી, ભેજ 38 ટકા અને પવનની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.

18 ઓક્ટોબરે મહત્તમ 37.2 ડિગ્રી, લઘુત્તમ 25.4 ડિગ્રી, ભેજ 38 ટકા અને પવનની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.

19 ઓક્ટોબરે મહત્તમ 36.4 ડિગ્રી, લઘુત્તમ 23.9 ડિગ્રી, ભેજ 41 ટકા અને પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.

20 ઓક્ટોબરે મહત્તમ 36.9 ડિગ્રી, લઘુત્તમ 23.6 ડિગ્રી, ભેજ 31 ટકા અને પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.

21 ઓક્ટોબરે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી, ભેજ 57 ટકા અને પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.

આંકડા દર્શાવે છે કે દિવસનું મહત્તમ તાપમાન લગભગ એક જ સ્તરે રહ્યું છે, જ્યારે લઘુત્તમ તાપમાન ધીમે ધીમે ઘટીને 26.4 ડિગ્રીથી 23 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ભેજનું પ્રમાણ પણ દિવસ પ્રમાણે બદલાયું છે. હવામાન વિભાગની આ માહિતી પ્રમાણે ભાવનગરમાં હાલ દિવસ અને સવાર વચ્ચે તાપમાનનો સ્પષ્ટ ફરક જોવા મળી રહ્યો છે.