ભાવનગર જિલ્લામાં આ વર્ષે દિવાળી દરમિયાન રાત્રે માત્ર બે કલાક જ ફટાકડા ફોડી શકાશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડતાં જણાવ્યું છે કે 4 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની પરવાનગી રહેશે. આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોને અનુસરીને આ જાહેરનામું જારી કરવામાં આવ્યું છે. તેનો હેતુ ધ્વનિ પ્રદૂષણ અને હવાના પ્રદૂષણથી જનતાને રક્ષણ આપવાનો તથા ફટાકડાને કારણે થતી આગ અને અકસ્માતોને રોકવાનો છે.
જાહેરનામા મુજબ, સિરીઝમાં જોડાયેલા ફટાકડાનું વેચાણ કે ફોડી શકાશે નહીં. ફક્ત અધિકૃત બનાવટવાળા અને મર્યાદિત ધ્વનિ સ્તરવાળા ફટાકડા જ વેચી શકાશે અને વાપરી શકાશે. વિદેશી ફટાકડાની આયાત અને વેચાણ પર પ્રતિબંધ રહેશે. ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ફટાકડાનો ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં.
હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો અને ધાર્મિક સ્થળોની 100 મીટર ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
ઉપરાંત, શહેરની મુખ્ય બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલપીજી બોટલિંગ પ્લાન્ટ, એલપીજી ગેસના સ્ટોરેજ અને અન્ય જ્વલનશીલ પદાર્થોના ગોદામો તથા હવાઈ મથકની નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે.
આ નિયમોનું પાલન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ ટીમો રચવામાં આવી છે. ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.