છેલ્લા ત્રણ વર્ષથી મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગમાં હવે તેજીના સંકેત જોવા મળી રહ્યા છે. ભાવનગર, સુરત અને અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય હીરા ઉદ્યોગ કેન્દ્રોમાં વેપાર વધ્યો છે, અને બંધ પડેલા અનેક કારખાના ફરી શરૂ થયા છે.
ભાવનગરમાં, જે સુરત પછી રાજ્યનું બીજું સૌથી મોટું હીરા કેન્દ્ર છે, ત્યાં છેલ્લા 30 દિવસથી હીરાની લે-વેચમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સમયગાળામાં બજારમાં વેપારીઓની અવરજવર પણ વધી છે, અને કેટલાક બંધ પડેલા કારખાના ફરી ધમધમતા થયા છે.
મંદીના કારણોમાં વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ અને અનેક વેપારીઓના બજારમાંથી ઉઠમણાંનો સમાવેશ થાય છે, જેને કારણે ઘણા ઉદ્યોગકારો અને રત્નકલાકારોએ આ ક્ષેત્ર છોડીને અન્ય વ્યવસાય તરફ વળવું પડ્યું હતું.
હાલમાં તેજીના મુખ્ય કારણોમાં કાચા હીરાના ભાવમાં ઘટાડો છે. અગાઉ 100 ડોલરમાં વેચાતો કાચો હીરો હવે 30 ડોલરમાં ઉપલબ્ધ છે, જેના કારણે હીરાની પડતર કિંમત ઘટી છે. સાથે, અમેરિકા સહિતના દેશોમાં પોઇન્ટેડ અને ફેન્સી રિયલ ડાયમંડની માંગ વધવાથી હીરા ઉદ્યોગને બળ મળ્યું છે.
વેપારીઓ આ તેજીને સકારાત્મક સંકેત માની રહ્યા છે, પરંતુ તેઓ એ પણ જણાવે છે કે આ પરિસ્થિતિ કેટલો સમય ચાલશે તે જોવું મહત્વનું છે. જો હાલનો ટ્રેન્ડ યથાવત રહેશે, તો ત્રણ વર્ષના મંદીના ગાળામાં થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે છે અને રત્નકલાકારોની આર્થિક સ્થિતિ સુધરશે.