ભાવનગરમાં એક સમયે હજારો પરિવારોને રોજગારી આપતો હીરા ઉદ્યોગ આજે અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. શહેરમાં અંદાજે 700થી 800 નાના-મોટા કારખાનાં અને ઓફિસો બંધ થઈ ચૂક્યાં છે. આ સાથે એક લાખ જેટલા રત્નકલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે.
ઉદ્યોગમાં આવેલી મંદી માટે ડાયમંડ એસોસિએશનના પ્રમુખે રશિયા-યુક્રેન યુદ્ધ, કાચા હીરાની અછત અને જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કની અધૂરી યોજના સહિતનાં કારણો જવાબદાર હોવાનું જણાવ્યું છે. મોટા ઉદ્યોગપતિઓ પણ ભાવનગર છોડીને સુરત તરફ વળ્યા છે.
મંદીની અસર રત્નકલાકારોના રોજીરોટી પર સીધી પડી છે. એક સમયે 30 લોકોને રોજગારી આપતા રત્નકલાકાર રમેશભાઈ પરમાર આજે નાસ્તાની લારી ચલાવી રહ્યા છે. જ્યારે લાખાભાઈ બાવળવા ચશ્માની દુકાનમાં નોકરી કરી રહ્યા છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે ભાવનગરના હીરા ઉદ્યોગને પુનઃજીવિત કરવા સરકાર પાસે શું નક્કર આયોજન છે?