સત્ય. સાહસ. સંકલ્પ.

ભાવનગરમાં ધનતેરસે સોના-ચાંદી અને શ્રીયંત્રનું પૂજન, બજારમાં ખરીદીનો ઉત્સાહ

ભાવનગરમાં ધનતેરસે સોના-ચાંદી અને શ્રીયંત્રનું પૂજન, બજારમાં ખરીદીનો ઉત્સાહ

ભાવનગરમાં દીપોત્સવીની ઉજવણી ધનતેરસથી શરૂ થઈ છે. રંગોળી અને તોરણથી ઘર અને બજાર શણગારાયા છે. શુક્રવારે ધનતેરસના પર્વે મહાલક્ષ્મી માતાજીની સાથે આરોગ્યના દેવતા ગણાતા ભગવાન ધન્વંતરીનું પણ વિશેષ પૂજન થશે.

શ્રદ્ધાળુઓ અને ગૃહિણીઓ પરિવારની ઉપસ્થિતિમાં સોના, ચાંદી, રોકડ અથવા શ્રીયંત્રનું પૂજન કરશે. મનાય છે કે ધનતેરસે લક્ષ્મીપ્રાપ્તિનો શુભ યોગ હોય છે.

આ દિવસે બજારમાં ખરીદીનો ઉત્સાહ રહેશે. સોના-ચાંદીના દાગીના, વાહન, મકાન અને પ્લોટની લે-વેચ વધશે. દુકાનોના ઉદ્ઘાટન, ગૃહપ્રવેશ, ખાતમુર્હૂત, લગ્નસરાની ખરીદી, કંકુપગલા અને નવચંડી પાઠ જેવા માંગલિક કાર્યો પણ યોજાયા છે.

ભગવાન ધન્વંતરીના પ્રાગટ્ય દિન નિમિત્તે આયુર્વેદાચાર્યો દ્વારા ષોડશોપચાર પૂજન, અભિષેક, મહાપૂજા, મહાઆરતી અને વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આરોગ્યના દેવ ધન્વંતરીને ભગવાન વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ માનવામાં આવે છે.