ભાવનગર શહેર કોંગ્રેસમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યપદની નિમણૂકમાં સતત અવગણના અને અન્યાયના આરોપો સાથે NSUI અને યુથ કોંગ્રેસના અંદાજિત 150 હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામા આપ્યા છે.
રોષે ભરાયેલા આ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રાજીનામા આપવા માટે શહેર કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા. જોકે તે સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ હાજર ન હોવાથી કાર્યકર્તાઓએ રાજીનામાના પત્રો પ્રમુખના ટેબલ પર મૂકી દીધા હતા. સાથે જ કાર્યાલયની દીવાલ પર રાજીનામા લગાવીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.
ભાવનગર શહેર યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ ગીરીરાજસિંહ વાળાએ આરોપ લગાવ્યો કે શિક્ષણ સમિતિની પસંદગી અને અન્ય મહત્વના નિર્ણયોમાં યુથ કોંગ્રેસ અને NSUI સાથે સતત અન્યાય કરવામાં આવે છે. પક્ષને મજબૂત કરવાનું કામ કરવા છતાં સતત થતી અવગણનાથી કંટાળીને તેમણે રાજીનામા આપી દીધા છે.