ભાવનગર: ભાવનગરની જીવાદોરી ગણાતા બોરતળાવમાં આ વર્ષે જળસ્તર નોંધપાત્ર રીતે ઘટ્યું છે. કારણ કે, આ વર્ષે 100 ટકા વરસાદ ન થવાથી તળાવ ઓવરફ્લો થયું નથી. હાલ તળાવમાંથી રોજનું 50 થી 60 MLD પાણી ખેંચવામાં આવે છે, જેથી જળસ્તર વધુ નીચે આવ્યું છે. આગામી દિવસોમાં તળાવનું તળિયું દેખાવા લાગે તેવી શક્યતા છે. ત્યારે તાત્કાલિક ધોરણે મહિ પરિએજ યોજના દ્વારા તળાવને છલોછલ ભરવાની માગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન ભાવનગરમાં સારો વરસાદ થયો હતો, પરંતુ ઉપરવાસમાં ઓછા વરસાદને કારણે બોરતળાવ ઓવરફ્લો થઈ શક્યું નહોતું. વધુમાં, ચોમાસાના છેલ્લા મહિનામાં વરસાદ બિલકુલ ન પડ્યો અને અસહ્ય ગરમી પડી, જેના કારણે તળાવમાં પાણીની આવક ઘટી અને બાષ્પીભવન વધ્યું. પરિણામે, તળાવનું જળસ્તર સતત ઘટી રહ્યું છે.
હાલ શહેરજનોને શેત્રુંજી ડેમ અને બોરતળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જોકે, બોરતળાવનું જળસ્તર ઘટતાં ભવિષ્યમાં પાણીની અછત સર્જાઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, નિષ્ણાતો અને અનુભવી લોકોએ ભાવનગર મહાનગરપાલિકાને ચોમાસાના અંત દરમિયાન જ મહિ પરિએજ યોજના દ્વારા તળાવ ભરવાની જાણ કરી હતી. છતાં, મનપાના શાસકોએ યોગ્ય નિર્ણય ન લેતાં આજદિન સુધી તળાવને ભરવામાં આવ્યું નથી.
એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે મહિ પરિએજ યોજનાની લાઈન નાખવામાં આવી છે, પરંતુ મનપાના સત્તાધીશોની ઉદાસીનતાને કારણે તેનો યોગ્ય ઉપયોગ થઈ શક્યો નથી. તેથી, હવે કોઈપણ પ્રકારની મંજૂરી કે પત્રવ્યવહારની રાહ જોયા વિના તાત્કાલિક તળાવને ભરવું જરૂરી છે.
આ અંગે ટીવી9 દ્વારા મનપાના સ્ટેન્ડિંગ ચેરમેનને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું કે, મંત્રી જીતુ વાઘાણી સાથે વાત થઈ છે અને આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે બોરતળાવ ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
બીજી તરફ, વિપક્ષના લોકોનું કહેવું છે કે અગાઉ સામાન્ય સભામાં પણ આ બાબતે શાસકોને સવાલ કરવામાં આવ્યા હતા, પરંતુ દિવાળી આવી ગઈ છતાં તળાવ ભરવાની કામગીરી શરૂ થઈ નથી. જો તાત્કાલિક પગલાં ન લેવાય તો આગામી દિવસોમાં ભાવનગરમાં જળસંકટ સર્જાઈ શકે છે.