ભાવનગરમાં આ દિવાળીએ કૃત્રિમ ફૂલોની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અસલી ફૂલોની સરખામણીમાં આ ફૂલો સસ્તા, ટકાઉ અને વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ હોવાથી ગૃહિણીઓ તેને વધુ પસંદ કરી રહી છે. આ પરિવર્તનની અસર પરંપરાગત ફૂલ બજાર પર દેખાઈ રહી છે.
દિવાળીના તહેવારની રોનક વચ્ચે ભાવનગરની બજારોમાં આ વખતે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ઘરની સજાવટ માટે ઉપયોગમાં લેવાતા અસલી ફૂલોને બદલે હવે કૃત્રિમ ફૂલો લોકોની પહેલી પસંદ બની રહ્યા છે. રંગબેરંગી ડિઝાઇન, આકર્ષક દેખાવ અને લાંબા સમય સુધી ટકી રહેવાની ખાસિયતને કારણે પ્લાસ્ટિકના ફૂલોનું બજારમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
ખાસ કરીને ગૃહિણીઓ ઘર અને મંદિરની સજાવટ માટે આર્ટિફિશિયલ ફૂલો ખરીદવાનું વધુ પસંદ કરી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે અસલી ફૂલોનો હાર આશરે 50 રૂપિયામાં મળે છે, જે થોડા સમયમાં કરમાઈ જાય છે. જ્યારે આર્ટિફિશિયલ ફૂલો 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની કિંમતમાં ઉપલભ્ય છે અને આખું વર્ષ ઉપયોગમાં લઈ શકાય છે. સુખડના હાર, હીરા-મોતી જડિત હાર, પાંદડાની વેલો, આકર્ષક ગુલદસ્તા અને કુંજાના ડેકોરેશન માટેના ફૂલો જેવી અનેક વેરાયટી બજારમાં મળી રહી છે. આ ફૂલો ભલે સુગંધ ન આપતા હોય, પરંતુ દેખાવમાં સુંદર અને આકર્ષક હોવાથી અસલી ફૂલોને ટક્કર આપી રહ્યા છે.
આ ટ્રેન્ડને કારણે પરંપરાગત ફૂલ બજાર પર અસર થઈ રહી છે. ફૂલ વેપારીઓએ જણાવ્યું કે અસલી ફૂલોની માંગમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે કૃત્રિમ ફૂલોની વેચાણમાં વધારો થયો છે.