ભાવનગર શહેરના બહુમાળી ભવન ખાતે આવેલી ACBની કચેરીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ગોહિલ રહસ્યમય સંજોગોમાં એક નોટ લખીને અચાનક લાપતા થઈ જતાં પોલીસબેડામાં ચર્ચાઓનો દૌર શરુ થયો છે. 20 ઓક્ટોબરના રોજ બપોરે ઘરે જમવા જવાનું કહીને ઓફિસમાંથી નીકળેલા કોન્સ્ટેબલે વાહનની ચાવી ટેબલ પર જ મૂકીને નીકળી ગયા હોવાનું જાણવા મળે છે.
આ બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ નજીક આવેલી શાંતિનગર સોસાયટી-1માં રહેતા પૂર્ણાબા જયેન્દ્રસિંહ ગોહિલે નિલમબાગ પોલીસ મથકે જાણવાજોગ નોંધ કરાવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના પતિ જયેન્દ્રસિંહ સવારે રાબેતા મુજબ ફરજ પર ગયા હતા, પરંતુ બપોરે જમવાના સમયે ફોન પર સંપર્ક ન થતાં સાથી કર્મચારીને ફોન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના જેઠ વિરમદેવસિંહ કચેરીએ પહોંચી તપાસ કરતાં જયેન્દ્રસિંહ પોતાનો ફોન અને વાહનની ચાવી ટેબલ પર જ મૂકીને નીકળી ગયા હોવાનું સામે આવ્યું હતું. સગા-સંબંધીઓ અને મિત્રવર્તુળમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો ન મળતાં આખરે પરિવાર અને ACBના સ્ટાફે નિલમબાગ પોલીસ સ્ટેશન પહોંચી જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાથમિક તપાસમાં મળેલી વિગતો મુજબ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહે લખેલી કથિત સુસાઈડ નોટમાં પઠાણી ઉઘરાણીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ નોટમાં ગુજરાત પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ જેવા કે DySP, PI અને તેમના સગા-સંબંધીઓ સહિતના નામો દર્શાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. કોન્સ્ટેબલે ઘણા લોકો પાસેથી લાખો રૂપિયા મેળવ્યા હતા અને તેની સામે તેમની પાસેથી કડક પઠાણી ઉઘરાણી થઈ રહી હોવાનું નોટમાં જણાવાયું છે. બીજી તરફ, કોન્સ્ટેબલ નોકરીની સાથોસાથ શેરબજારમાં રોકાણ કરાવવાનું કામ કરતા હોવાનું અને રોકાણકારોને પૈસા પરત ન ચૂકવી શકતાં વિવાદ વકર્યો હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે.
આ સમગ્ર મામલે નિલમબાગ પોલીસ મથકના પીઆઈ ડી.પી.ઉનડકટે જણાવ્યું હતું કે, ગુમ થયેલા એસીબી કોન્સ્ટેબલના પત્નીની અરજી મળ્યા બાદ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. સ્થાનિક નિલમબાગ પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમો દ્વારા શહેર અને આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને સંભવિત સ્થળો પર દરોડા પાડીને ગુમ થયેલા કોન્સ્ટેબલની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.