સત્ય. સાહસ. સંકલ્પ.

ભરૂચનાં શિક્ષિકા હેતલબેન રાણાને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’ માટે પસંદગી

ભરૂચનાં શિક્ષિકા હેતલબેન રાણાને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’ માટે પસંદગી

ભરૂચ: ભરૂચની મનુબર પ્રાથમિક કન્યા શાળાનાં ભાષા-શિક્ષિકા હેતલબેન રાણાએ દીકરીઓનો અંગ્રેજીનો ડર દૂર કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ગ્રીન સ્ક્રીન ટેકનોલોજીનો અનોખો ઉપયોગ કર્યો છે. તેમની આ નવીન પહેલને કારણે ગુજરાત સરકારના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’ માટે તેમની પસંદગી કરવામાં આવી છે.

વર્ગખંડમાં દીકરીઓ ગ્રીન સ્ક્રીનની સામે ઊભી રહી અંગ્રેજીમાં બોલે છે, અને પછી AIની મદદથી તેમની પાછળ કાર્ટૂન પાત્રો કે અલગ-અલગ સ્થળોના દૃશ્યો મૂકવામાં આવે છે. આ પ્રયોગથી દીકરીઓ આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી બોલતાં શીખી છે. હેતલબેને વર્ષ 2022-23માં વર્ગખંડના એક ભાગને નાના ફિલ્મ સ્ટુડિયોમાં ફેરવ્યો હતો, જ્યાં ગ્રીન સ્ક્રીન લગાવીને દીકરીઓને અભિનય કરવા પ્રોત્સાહિત કરવામાં આવતી. Plotagon અને Arloopa જેવી એપ્લિકેશન્સ તથા AIની મદદથી બેકગ્રાઉન્ડ બદલીને તેમને અંગ્રેજીનો અભ્યાસ રમતિયાળ બનાવ્યો.

હેતલબેનની આ પહેલને ઝોન કક્ષાએ પસંદગી મળી છે. વર્ડવૉલ અને AIની મદદથી તેમણે શૈક્ષણિક રમતો તૈયાર કરી છે, જે અગાઉ તૈયાર કરવામાં કલાકો લાગતા હતા, હવે માત્ર એક મિનિટમાં તૈયાર થાય છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓની શાળાઓમાં આ ડિજિટલ રમતોનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે વાંચન-લેખનમાં મુશ્કેલી અનુભવતાં બાળકો માટે ‘ક’ થી ‘જ્ઞ’ સુધીના મૂળાક્ષરો આધારિત FLN ડિજિટલ ગેમ્સ પણ બનાવી છે, જેમાં ‘લીડર બોર્ડ’ હોવાથી વિવિધ શાળાઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા પ્રોત્સાહિત થાય છે.

શિક્ષણક્ષેત્રે તેમનું યોગદાન જોતાં, ડાયટ કક્ષાએ માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ આપવામાં પણ તેમનું ડિજિટલ કન્ટેન્ટ ઉપયોગી થઈ રહ્યું છે. GCERT દ્વારા પ્રકાશિત ‘જીવન શિક્ષણ’ સામયિકમાં તેમણે શિક્ષણમાં નવીનતા અંગે ત્રણ લેખ લખ્યા છે, અને NCERTના મોડ્યુલ ‘મધર્સ ઑફ ડેમોક્રસી’ના ચાર પુસ્તકોના ભાવાનુવાદમાં પણ યોગદાન આપ્યું છે. દીક્ષા એપ પર ‘ભરૂચ જિલ્લાની સ્થાનિક લોકબોલી’ આધારિત કોર્સ તૈયાર કરવા માટે કોર્સ ટીમમાં પણ તેમણે કામ કર્યું છે, જે રાજ્યના શિક્ષકો માટે ઉપલબ્ધ છે.

શિક્ષણની સફરની શરૂઆત તેમણે વર્ષ 2007માં નેત્રંગ તાલુકાની કન્યા શાળામાં વિદ્યાસહાયક તરીકે કરી હતી. માતા પણ શિક્ષિકા હતાં, જેમને જોઈને તેમણે શિક્ષક બનવાનું સપનું સેવ્યું હતું. અભ્યાસ ચાલુ રાખીને તેમણે અંગ્રેજી વિષયમાં અનુસ્નાતક પદવી મેળવી. વર્ષ 2013થી તેઓ પ્રાથમિક વિભાગમાં અંગ્રેજી અને ભાષા શિક્ષિકા તરીકે કાર્યરત છે, અને છેલ્લા 12 વર્ષથી મનુબર પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષણ આપી રહ્યાં છે.

હેતલબેન કહે છે, “આજે AIનો યુગ છે. જો ટેકનોલોજીની મદદથી કલાકોનું કામ એક મિનિટમાં પૂર્ણ થઈ શકે, તો આપણે તેનો સકારાત્મક રીતે સ્વીકાર કરવો જોઈએ અને નવી પેઢીને ભવિષ્ય માટે સક્ષમ બનાવવી જોઈએ.” દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને આ સન્માન આપવામાં આવે છે, અને હેતલબેન માટે આ સન્માન તેમની બે દાયકાની શિક્ષણયાત્રાનો મહત્વનો પડાવ છે.