ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDC સ્થિત સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં ગત રાત્રે મોડી રાત્રે હાઇડ્રોજીનેશન પ્રક્રિયા દરમિયાન પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 5 કામદારોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 5 કામદારો ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે આશરે 10:30થી 11 વાગ્યાની વચ્ચે કંપનીમાં હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક વિસ્ફોટ થયો. ધડાકો એટલો જોરદાર હતો કે તેનો અવાજ આશરે 15 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.
વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે કંપનીથી આશરે 200 મીટર દૂર ઊભેલા ટ્રેક્ટરનું ટાયર પણ ફાટી ગયું હતું. આસપાસની કંપનીઓનાં સ્ટ્રક્ચર પણ હલી ઊઠ્યાં હતાં અને પ્લાન્ટની મશીનરીના ભાગો વેરવિખેર થઈ ગયા હતા. ઘટના સમયે કંપનીમાં આશરે 20 કામદારો કામ કરી રહ્યા હતા.
વિસ્ફોટ બાદ કંપની પરિસરમાં ગેસ લીકેજની આશંકા ઊભી થઈ હતી, જેના કારણે હાજર લોકોની આંખોમાં બળતરા થવા લાગી હતી. જીવ બચાવવા માટે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડતી વખતે એમ્બ્યુલન્સના સાયરનથી આખો વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ભરૂચ એસડીએમ મનીષા માનાણી, વાગરા પોલીસ, મામલતદાર, ફાયર ટેન્ડરો અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે સત્તાવાર તપાસ શરૂ કરી છે.
મે-જૂન મહિનામાં જ કાર્યરત થયેલી આ કંપનીમાં સુરક્ષા વ્યવસ્થા અને ઔદ્યોગિક સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે પ્રશ્નો ઊઠી રહ્યા છે. વહીવટી તંત્રે કંપનીને તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવાની નોટિસ ફટકારી છે. તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માત માટે જવાબદાર પરિબળો સ્પષ્ટ થશે અને બેદરકારી સામે આવનાર સામે કડક કાર્યવાહીની માંગ ઊઠી રહી છે.