સત્ય. સાહસ. સંકલ્પ.

ભરૂચના ઉબેર ગામે નર્મદા કેનાલમાં 65 ફૂટનું ગાબડું, ખેડૂતોનો પાક પાણીમાં

ભરૂચના ઉબેર ગામે નર્મદા કેનાલમાં 65 ફૂટનું ગાબડું, ખેડૂતોનો પાક પાણીમાં

ભરૂચ જિલ્લાના ઉબેર ગામમાં નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાં 65 ફૂટનું મોટું ગાબડું પડ્યું છે. ટીવી અહેવાલમાં બતાવેલા દ્રશ્યોમાં કેનાલમાં મોટું ભંગાણ સ્પષ્ટ દેખાય છે.

વડોદરા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતાં આસપાસની 50થી 60 એકર જમીનમાં પાણી ફરી વળ્યું. ખેડૂતોએ વાવેલા ડાંગર, કપાસ અને તુવેરનો પાક પાણીમાં ડૂબી જતાં ખેડૂતોમાં દોડધામ મચી ગઈ.

ઘટનાની જાણ થતાં નર્મદા યોજના પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અને સ્થાનિક ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિતના આગેવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા.

ખેડૂતોનું કહેવું છે કે નર્મદા વિભાગની બેદરકારીને કારણે તેમનો કિંમતી પાક બરબાદ થયો છે. તેમણે ખેતરોમાંથી પાણી કાઢવાની વ્યવસ્થા કરવાની, નુકસાન થયેલા વિસ્તારનો સર્વે કરવાની અને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની માગ કરી છે.

બીજી તરફ ધારાસભ્ય ડી.કે.સ્વામીના જણાવ્યા મુજબ શાહુડીના દરને કારણે કેનાલમાં ભંગાણ થયું છે. આ નહેરનું બાંધકામ વર્ષ 1990માં થયું હતું. કેનાલ જૂની હોવાથી તેમાં શાહુડીના દરને લીધે પોલાણ બન્યું અને તેના કારણે ભંગાણ થયું હોવાનો પ્રાથમિક રિપોર્ટ હોવાનું જણાવાયું છે.

કેનાલમાં ભંગાણની જાણ થતાં નહેરમાં પાણી બંધ કરવામાં આવ્યું હોવાનો દાવો સ્થાનિક વહીવટીતંત્ર કરી રહ્યું છે.