ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાને જોડતા ડોલીયા-દેણવા બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચારનો મામલો ચર્ચામાં છે. રૂ. 66 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજનું લોકાર્પણ થયાના માંડ 100 દિવસ પૂરા થયા છે, ત્યારે બ્રિજના RCC માર્ગમાં મોટી તિરાડો પડવા લાગી છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ બ્રિજનું કામ મહેસાણાની રાધે એસોસિયેટ્સ નામની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. નબળી ગુણવત્તાવાળા મટિરિયલના ઉપયોગને કારણે રોડ વચ્ચે મોટી તિરાડ પડી હોવાનું મનાય છે. આ મામલે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આક્ષેપો થઈ રહ્યા છે. 100 દિવસમાં જ બ્રિજનો રોડ તૂટી જતો હોય તો એક વર્ષમાં આ બ્રિજની શું હાલત થશે? એવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.
અધિકારીઓ દ્વારા અપાયેલા ફિટનેસ સર્ટિફિકેટ સામે પણ પ્રશ્નો ઊઠ્યા છે. સ્થળ નિરીક્ષણ કર્યા વિના જ ફિટનેસ સર્ટિફિકેટ આપી દેનાર અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં છે. ભ્રષ્ટાચારને કારણે પ્રજાના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા હોવાનો લોકોમાં રોષ છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ પણ આ મામલે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.
ભરૂચ જિલ્લામાં વિકાસ કાર્યોમાં ગોબાચારીની ઘટનાઓ નવી નથી. અગાઉ અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ અને અંદાડા ગામે કરોડોના આરસીસી રોડમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદો ઊઠી હતી, જેમાં જિલ્લા પંચાયતે રોડ તોડી નવો બનાવવા આદેશ આપવો પડ્યો હતો. આ ઉપરાંત પરીએજ ગામે ભૂખી ખાડીનું નાળું લોકાર્પણના એક જ મહિનામાં તૂટી ગયું હતું અને આમોદ નેશનલ હાઈવે-64 ચોમાસામાં ધોવાઈ ગયો હતો. કોન્ટ્રાક્ટરો દ્વારા વારંવાર વેઠ ઉતારવામાં આવતી હોવાથી અધિકારીઓની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.