સુરત જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ વે પર કામરેજ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ડીગસ ગામની સીમમાં ઊભેલા ડમ્પર પાછળ પૂરઝડપે આવી રહેલી હેરિયર કાર ધડાકાભેર ઘૂસી જતાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડમ્પરના ચાલકે વાહનમાં એર પ્રેશરની અચાનક સમસ્યા ઊભી થતાં તેને રોડ પર ઊભું રાખ્યું હતું. આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલી હેરિયર કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કૂચડો વળી ગયો હતો.
મૃતકો મુંબઈથી શંખેશ્વર મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. પોલીસને જાણ થતાં જ કામરેજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો. પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કામરેજ સી.એચ.સી. ખાતે મોકલી આગળની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ એક્સપ્રેસ વે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે.