સત્ય. સાહસ. સંકલ્પ.

Bharat NCAP 2.0: ઓક્ટોબર 2027થી કાર સેફ્ટીના કડક નિયમો, રાહદારીઓની સલામતી પર ભાર

Bharat NCAP 2.0: ઓક્ટોબર 2027થી કાર સેફ્ટીના કડક નિયમો, રાહદારીઓની સલામતી પર ભાર

કેન્દ્ર સરકાર હવે ભારત NCAPનું નવું સંસ્કરણ Bharat NCAP 2.0 લાવવાની તૈયારીમાં છે, જે ઓક્ટોબર 2027થી લાગુ થશે. આ નવા પ્રોટોકોલમાં માત્ર કારનો ક્રેશ ટેસ્ટ જ નહીં, પરંતુ અકસ્માત નિવારણ, રાહદારીઓની સુરક્ષા અને અકસ્માત પછીના બચાવ કાર્ય સહિત સમગ્ર સેફ્ટી ચેઇનની ચકાસણી કરવામાં આવશે.

દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, ભારત NCAPની સફળતા માત્ર સરકારી પ્રયાસોને કારણે નહીં, પરંતુ ઓટો ઇન્ડસ્ટ્રીના સહયોગ અને તાલમેલથી શક્ય બની છે. તેમણે ઉમેર્યું કે, આ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી છે અને મોરોક્કોમાં તેને વૈશ્વિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં ભારત NCAP હેઠળ દેશની 11 કાર નિર્માતા કંપનીઓના 30થી વધુ મોડલનું સુરક્ષા સર્ટિફિકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ કાર્યક્રમથી વાહનોના ટેસ્ટિંગના ખર્ચ અને સમય બંનેમાં ઘટાડો થયો છે. ગ્લોબલ NCAP હેઠળ એક મોડલના ટેસ્ટિંગ પાછળ આશરે ₹2.5 કરોડનો ખર્ચ થતો હતો, જ્યારે ભારત NCAP હેઠળ આ ટેસ્ટિંગ માત્ર ₹60 લાખમાં થઈ જાય છે, એટલે કે ખર્ચમાં 75%નો ઘટાડો થયો છે. ઓછા ખર્ચ અને સ્થાનિક સુવિધાના કારણે હવે ઘણી વિદેશી ઓટો કંપનીઓ પણ પોતાના વાહનોનું સેફ્ટી ટેસ્ટિંગ કરાવવા માટે ભારત મોકલી રહી છે.

ભારત NCAP દ્વારા વાહનોના સુરક્ષા માપદંડો વધુ પારદર્શક અને કડક બન્યા છે, જેનાથી ભારતમાં બનેલા વાહનોની વિશ્વસનીયતા અને ગુણવત્તામાં સુધારો થયો છે. આના પરિણામે ગ્લોબલ માર્કેટમાં ભારતીય ગાડીઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભારતનું ઓટો એક્સપોર્ટ સતત વધી રહ્યું છે.

Bharat NCAP 2.0માં સમગ્ર સુરક્ષા સાયકલની ચકાસણી કરવામાં આવશે. આમાં અકસ્માતને થતો અટકાવવો, વાહનમાં બેઠેલા મુસાફરોનું રક્ષણ, રાહદારીઓની સલામતી, અકસ્માત પછી મુસાફરોને વાહનમાંથી સુરક્ષિત બહાર કાઢવા અને તાત્કાલિક મેડિકલ સંભાળના પાસાઓ સામેલ કરવામાં આવશે.

સરકારે માર્ગ અકસ્માતોને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. દેશમાં દર વર્ષે આશરે 5 લાખ રોડ અકસ્માતો થાય છે, જેમાં લગભગ 1.80 લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ મૃત્યુ પામનારાઓમાં 18 થી 36 વર્ષની વયજૂથના યુવાનોની હિસ્સેદારી આશરે 66% છે. આ દુર્ઘટનાઓ ઘટાડવા માટે અદ્યતન ટેકનોલોજી, ભારતીય સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક બેસ્ટ પ્રેક્ટિસિસને Bharat NCAP 2.0માં સામેલ કરવામાં આવશે. આ માટે ઓટો ઇન્ડસ્ટ્રી અને સંશોધન ટીમો પાસેથી પણ સૂચનો મંગાવવામાં આવ્યા છે.