મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે નાગપુર-રાયપુર નેશનલ હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. પિંપળગાંવ સડક નજીક ભાઉ ઢાબા પાસે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત કુલ આઠ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને સારવાર માટે સાકોલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભંડારા પોલીસ અધિક્ષક નૂરુલ હસને અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે નાગપુર-રાયપુર નેશનલ હાઈવે પર ટ્રક અને પિકઅપ વાન વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ત્રણ બાળકો સહિત આઠ લોકોનાં મોત થયાં છે. ત્રણ ઇજાગ્રસ્તોને સાકોલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત કઈ રીતે અને કયા સંજોગોમાં સર્જાયો તે અંગેની વધુ વિગતો હજુ સામે આવી નથી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.