દિવાળીના પાંચ દિવસીય ઉત્સવનું સમાપન ભાઈબીજ સાથે થાય છે. આ વર્ષે 11 નવેમ્બર 2026, બુધવારના રોજ ભાઈબીજ ઉજવવામાં આવશે. જોકે, આ તહેવારની તારીખ અને મુહૂર્તને લઈને લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. કેટલાક લોકો 10 નવેમ્બરે તો કેટલાક 11 નવેમ્બરે ભાઈબીજ હોવાનું જણાવી રહ્યા છે. જ્યોતિષીઓએ ભાઈને તિલક કરવાનું મુખ્ય મુહૂર્ત બપોરના સમયે જણાવ્યું છે, પરંતુ પંચાંગ મુજબ સવારમાં પણ શુભ મુહૂર્ત ઉપલબ્ધ છે.
હિન્દુ પંચાંગ અનુસાર, દ્વિતીયા તિથિ 10 નવેમ્બરે બપોરે 2:00 વાગ્યે શરૂ થશે અને 11 નવેમ્બરે બપોરે 3:53 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિના કારણે ભાઈબીજનો પર્વ 11 નવેમ્બર, બુધવારના રોજ ઉજવવામાં આવશે.
ભાઈને તિલક કરવા માટે સવારે 6:40 થી 11:38 સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે, જે અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત, બપોરે 1:10 થી 3:20 સુધી પણ શુભ મુહૂર્ત રહેશે. બહેનો પોતાના ભાઈના કપાળ પર સૌભાગ્યનું તિલક કરી શકશે.
ભાઈબીજ પર બહેનો પૂજાની થાળી સજાવે છે. તેમાં રોલી કે કંકુ, સિંદૂર, ચંદન, અક્ષત (આખા ચોખા), ફૂલ, ફૂલોનો હાર, સોપારી, નાગરવેલનું પાન, નાળિયેર, નાડાછડી (કલાવા), દૂર્વા ઘાસ, મિઠાઈ, ફળ અને દીવો રાખવામાં આવે છે. કેટલાક લોકો ચાંદીનો સિક્કો અને પતાસા પણ સામેલ કરે છે.
તિલક કરવાની વિધિમાં સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. ઘરના મંદિરમાં ભગવાનની પૂજા કર્યા પછી બહેનો ભાઈના તિલક અને આરતી માટે થાળી તૈયાર કરે છે. ચોખાના લોટના ઘોળથી ચોક પૂરીને ભાઈને બેસાડવામાં આવે છે. ભાઈ અને બહેન બંનેના માથે છેડો, ઓઢણી કે રૂમાલ ઢાંકવામાં આવે છે. પછી બહેન ભાઈના કપાળ પર રોલી કે કંકુનું તિલક લગાવે છે, અક્ષત અર્પણ કરે છે. ભાઈને સૂકું આખું નાળિયેર, ફૂલ અને સોપારી આપીને પતાસા કે મિઠાઈ ખવડાવે છે. બહેન ભાઈની આરતી ઉતારીને તેની સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. પૂજા પછી ભાઈ બહેનને ભેટ આપે છે અને જીવનમાં દરેક સુખ-દુઃખમાં સાથ નિભાવવાનું વચન આપે છે. આ રીતે આ તહેવાર ભાઈ-બહેનના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપે છે.