સત્ય. સાહસ. સંકલ્પ.

પંજાબ CM ભગવંત માનને દિલ્હી એરપોર્ટ પર 3 કલાક રોકાયા, 50 હજાર ડ્યૂટી ભરવાનો આરોપ-કસ્ટમ્સનું ખંડન

પંજાબ CM ભગવંત માનને દિલ્હી એરપોર્ટ પર 3 કલાક રોકાયા, 50 હજાર ડ્યૂટી ભરવાનો આરોપ-કસ્ટમ્સનું ખંડન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફ્રાન્સની મુલાકાત પૂરી કરીને દિલ્હી એરપોર્ટ પર પરત ફર્યા ત્યારે તેમને ત્રણ કલાક સુધી રોકી રાખવામાં આવ્યા હોવાનો અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનો આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે. જોકે કસ્ટમ્સ વિભાગનાં સૂત્રો કહે છે કે સામાનમાં કેટલીક વસ્તુઓ જાહેર ન કરવા બદલ તેમના પર 50 હજાર રૂપિયાની કસ્ટમ્સ ડ્યૂટી લાદવામાં આવી હતી.

AAPના પંજાબ એકમના મીડિયા પ્રભારી બલતેજ પન્નુએ સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ બહાર પાડીને આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે જાણી જોઈને મુખ્યમંત્રીનું અપમાન કર્યું છે. તેમના દાવા પ્રમાણે માનને એરપોર્ટ પર ત્રણ કલાક સુધી રોકી રાખવામાં આવ્યા હતા અને ત્યાર પછી જવા દેવામાં આવ્યા હતા.

પન્નુએ જણાવ્યું કે માન પંજાબની પ્રખ્યાત પેદાશોને પેરિસના એક મોટા ખાદ્ય મહોત્સવમાં રજૂ કરવા ગયા હતા. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જરૂરી પ્રોટોકોલ આપવાનો નિર્દેશ આપ્યો હોવા છતાં ફ્રાન્સમાં ભારતીય કોન્સલ જનરલ તેમને મળવા આવ્યા ન હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. એરપોર્ટ પર તેમના સામાનની તપાસ અને સામાન આવવાની રાહ જોવાનાં કારણો આપીને તેમને રોકવામાં આવ્યા હતા. ત્રણ કલાક પછી તેઓ વાહનમાં બેસીને રવાના થવાના હતા ત્યારે અધિકારીઓએ તેમને રોકીને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અધિકારીઓએ ઉપરથી ભારે દબાણ હોવાનું જણાવ્યાનો પણ પન્નુએ આરોપ લગાવ્યો હતો. જોકે આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

બીજી તરફ શિરોમણિ અકાલી દળના મહાસચિવ બિક્રમ સિંહ મજીઠિયાએ દાવો કર્યો હતો કે ભગવંત માન અને તેમનાં પત્ની ગુરપ્રીત કૌરને મંજૂર મર્યાદા કરતાં વધુ સામાન અથવા નાણાં સાથે રાખવાની શંકાને આધારે પૂછપરછ માટે રોકવામાં આવ્યાં હતાં. સંતોષકારક ખુલાસો ન મળતાં તેમની તપાસ કરવામાં આવી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. AAPના નેતા સૌરભ ભારદ્વાજે આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કેન્દ્રના વલણને અહંકાર ગણાવતાં કહ્યું હતું કે આવું વલણ બંધ થવું જોઈએ.

આ ઘટનાએ પંજાબના રાજકારણમાં વિવાદ ઊભો કર્યો છે. એક તરફ AAPએ કેન્દ્ર પર રાજકીય દબાણનો આરોપ મૂક્યો છે, જ્યારે બીજી તરફ કસ્ટમ્સનાં સૂત્રોએ સામાન જાહેર ન કરવાને કારણે ડ્યૂટી વસૂલવામાં આવી હોવાનું જણાવ્યું છે. હાલ આ સમગ્ર મામલો વિવાદિત બન્યો છે અને રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે.