સત્ય. સાહસ. સંકલ્પ.

ભાગલપુરમાં પોલીસે 33 નિર્દોષોની આંખોમાં એસિડ રેડ્યો: 'ઓપરેશન ગંગાજલ'ની ક્રૂરતા, કોઈને સજા નહીં

ભાગલપુરમાં પોલીસે 33 નિર્દોષોની આંખોમાં એસિડ રેડ્યો: 'ઓપરેશન ગંગાજલ'ની ક્રૂરતા, કોઈને સજા નહીં

નવેમ્બર 1980, ભાગલપુર (બિહાર). સત્તર વર્ષનો શાલિગ્રામ સાહા ઘરેથી નીકળ્યો ત્યારે તેના મનમાં એક જ વાત હતી — પિતાના ગ્રાહક પાસેથી 800 રૂપિયા લઈને સાંજ સુધીમાં ઘરે પાછો ફરવું. તેના પિતા સોની હતા અને એક ગ્રાહકે ઉધારીમાં લીધેલા પૈસા લેવા તે ગયો હતો. પૈસા મળી ગયા. શાલિગ્રામ સો-સોની નોટો ખિસ્સામાં સાચવીને ઘર તરફ આવી રહ્યો હતો. રસ્તામાં પોલીસના નાકાબંધીએ તેને રોક્યો.

‘ઇતને પૈસે તેરે પાસ કહાંસે આયે, પિલ્લે?’ પોલીસે તેની કરડાકી અને તોછડાઇથી પૂછ્યું. સત્તર વર્ષના છોકરાએ શાંતિથી સાચો જવાબ આપ્યો. પણ પોલીસને એટલાથી સંતોષ ન થયો. તેની ખિસ્સાતલાશી લેવામાં આવી. ખિસ્સામાંથી 800 રૂપિયા મળી આવ્યા. તે વિસ્તારમાં ચોરીઓ વધી રહી હતી, અને પોલીસ પાસે સાચા ચોરને પકડવાને બદલે એક વાર્તા તૈયાર હતી: ખિસ્સામાં આટલા પૈસા ધરાવતા છોકરાએ ક્યાંકથી ચોરી કરી હશે.

માત્ર શંકાને આધારે ભાગલપુર પોલીસે 17 વર્ષના છોકરાને ઉઠાવ્યો, ટોર્ચર કર્યો અને આંખોમાં સોયા ભોંકીને ઇન્જેક્શનથી એસિડ રેડ્યો. તે છોકરાનો કોઈ વાંક જ નહોતો.

પોલીસે કિશોરના કોલર પકડીને પગની પીંડી પર દંડો ફટકાર્યો. છોકરો ચીસ પાડી ઊઠ્યો. ‘પુલીસ કો બેવકૂફ બના રહા હૈ, સાલે પિલ્લે? બતા કહાં સે ચોરી કિયે હો?’ ‘સચ કેહ રહા હૂં સાબ, યે મેરે બાઉજી કે પૈસે હૈ, કિસીસે બકાયા થે, સો લેને ગયા થા.’ શાલિગ્રામે રડતાં રડતાં બે હાથ જોડીને જવાબ આપ્યો. પરંતુ પોલીસને તેમાં રસ નહોતો. પોલીસને હવે આ છોકરામાં એક ચોર દેખાઈ રહ્યો હતો.

વિખ્યાત અમેરિકન મેગેઝિન ‘ટાઇમ’ (TIME)ના 15 ડિસેમ્બર, 1980ના અંકના રિપોર્ટ મુજબ, ‘એ સાંજે સાહાને રાજૌન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. ખાસ્સો માર માર્યા પછીયે તે છોકરાએ ચોરી કબૂલવાનો ઇનકાર કર્યો, ત્યારે પોલીસે તેને લાત મારીને જમીન પર પછાડ્યો. બે પોલીસકર્મીઓએ તેને પકડી રાખ્યો અને ત્રીજાએ તેની આંખોમાં સોયો ભોંક્યો. છોકરાના ચિત્કાર સાથે આંખોમાંથી લોહીની ધાર વહેવા માંડી.’

પોલીસ આટલેથી ન અટકી. બે આંગળીથી આંખનાં પોપચાં પહોળાં કરીને ઇન્જેક્શનથી તેમાં ધગધગતો એસિડ રેડવામાં આવ્યો. પીડાથી તરફડી રહેલા માસુમ છોકરાની આંખના ડોળા બળી ગયા, પોપચાં પણ બળીને કાયમ માટે એકબીજા સાથે ચોંટી ગયાં. સત્તર વર્ષના એ છોકરાનો એકમાત્ર ‘ગુનો’ એ હતો કે તેના ખિસ્સામાં તેના પિતાના પૈસા હતા. બસ, આ કારણોસર તેને આખી જિંદગી અંધકારમાં રહેવાની સજા આપી દેવાઈ.

ગુનાખોરી ડામવામાં નિષ્ફળ ગયેલી ભાગલપુર પોલીસે નિર્દોષ લોકોને પકડીને માત્ર દાખલો બેસાડવાના ઉદ્દેશથી તેમની આંખોમાં સોયા ભોંક્યા અને એસિડ રેડ્યું. આ ઘટનાનું વધુ ખોફનાક પાસું એ હતું કે આ કોઈ એક પોલીસ સ્ટેશન કે એક રાતની ક્રૂરતાની વાત નહોતી. પોલીસ દ્વારા જેના પર પણ શંકા જાય તેની આંખોમાં એસિડ રેડીને કાયમ માટે તેમની આંખો બાળી નાખવાનો ભયાવહ સિલસિલો ચાલ્યો હતો. પોલીસની આલમમાં આ વિકૃતિને નામ આપવામાં આવેલું — ‘ઓપરેશન ગંગાજલ’. આજે વાત કરીએ બિહારના ભાગલપુરમાં ક્રૂરતાની ચરમસીમાના અધ્યાય એવા ‘આંખફોડવા કાંડ’ વિશે.

આ ઘટનાક્રમ સમજવા માટે 1979-80ના સમયગાળાના ભાગલપુરમાં ઊંડા ઊતરવું પડશે. પાટનગર પટનાથી લગભગ અઢીસો કિલોમીટર દૂર આવેલું ભાગલપુર ત્યાંની વિખ્યાત ‘ભાગલપુરી ચાદર’, મંદાર પર્વતો અને આઠમી સદીની વિક્રમશિલા યુનિવર્સિટીનું ઘર હતું. પરંતુ આ શહેર ભયાનક ગુનાઓથી ઘેરાયેલું હતું. ખુદ TIME મેગેઝિને બિહારને તે સમયે ભારતનું સૌથી અસ્થિર રાજ્ય ગણાવ્યું હતું. અહીં જાતિગત અને સાંપ્રદાયિક અથડામણો, હત્યાઓ, લૂંટફાટ અને ગમે તે માણસ સાથે કંઈપણ થઈ શકે તેવા ભયની તલવાર લગભગ ચોવીસે કલાક મંડરાતી રહેતી હતી.

જાન્યુઆરીથી સપ્ટેમ્બર 1980 દરમિયાન ભાગલપુરમાં પોલીસ ડાયરીમાં 89 હત્યાના કેસ નોંધાયા હતા. એટલે કે સરેરાશ દર ત્રણ દિવસે એક હત્યા. અને આ તો ફક્ત પોલીસ સ્ટેશનની ફાઇલોમાં પહોંચેલા આંકડા હતા. લોહીતરસી ગેંગો દિવસના અરસામાં ગામડાંઓ પર હુમલા કરી રહી હતી, અને પત્રકારો તથા નિષ્ણાતોએ આરોપ લગાવ્યો હતો કે ઘણી ગેંગોને રાજકીય આશ્રય પણ મળતો હતો.