બિહારના ભાગલપુરમાં કરમા-ધરમા પૂજા દરમિયાન ગંગા નદીમાં સ્નાન કરવા ગયેલા છ બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. આ ઘટના સુલતાનગંજ નગર પરિષદના વોર્ડ નંબર 27 સ્થિત વિષ્ણુ ટોલાના રહેવાસી બાળકો સાથે બની છે. તમામ બાળકો નારાયણપુર દિયારા ખાતે પૂજા માટે ગયા હતા, જ્યાં પૂરના કારણે પાણી ભરાયેલું હતું. અચાનક ઊંડા પાણીમાં જતા બાળકો ડૂબવા લાગ્યા.
મૃતકોની ઓળખ પૂજા, જ્યોતિ, મિન્કી, રાહુલ, આયુષ અને વિકાસ તરીકે થઈ છે. તમામ બાળકો આશરે 12 વર્ષની ઉંમરના હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ બચાવ કાર્ય શરૂ કર્યું અને ભારે મહેનત બાદ બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેમનો જીવ ગયો હતો.
આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. પરિવારજનોમાં ભારે આક્રંદ મચી ગયો છે. સ્થાનિક લોકોએ પૂરના પાણીવાળા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવા અને બાળકોને દૂર રાખવા જાગૃતિ ફેલાવવાની માંગ કરી છે. વહીવટી તંત્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે.