દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર વીરૂ કંડોરીયાએ 3,651 મતની સરસાઈથી વિજય મેળવ્યો છે. જામખંભાળિયાની સેવા સદન કચેરી ખાતે યોજાયેલી મતગણતરીના સાત રાઉન્ડ પૂરા થયા બાદ આ પરિણામ જાહેર થયું હતું.
આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. ભાજપ તરફથી માલતીબેન કંડોરીયા, કોંગ્રેસ તરફથી પાલા પિંડારીયા અને આમ આદમી પાર્ટી તરફથી વીરૂ કંડોરીયાએ ચૂંટણી લડી હતી.
ભાડથર બેઠક પર કુલ 17,209 મતદારોમાંથી 11,261 મતદારોએ મતદાન કર્યું હતું. આમ 65.44 ટકા મતદાન નોંધાયું હતું. મતગણતરી પૂરી થયા બાદ AAPના ઉમેદવાર વિજેતા જાહેર થયા.
આ પરિણામ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્થાનિક રાજકારણમાં AAPની જીત ચર્ચાનો વિષય બની છે.
અન્ય પેટા ચૂંટણીઓમાં પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઈ શિંગાળાએ વિજય મેળવ્યો છે. રાજકોટ જિલ્લાની થોરીયાળી-ખોડાપીપર બેઠક પર પણ કોંગ્રેસે જીત નોંધાવી છે, જેનાથી પક્ષે આ બેઠક પરનો પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. બીજી તરફ છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નં. 4ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રજનીબેન રાઠવાએ વિજય મેળવ્યો છે.