સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના ભદ્રકાળી મંદિરે આઠમ પર ભક્તોની ભારે ભીડ, પાવાગઢમાં પણ દર્શનાર્થીઓનું ઘોડાપૂર

અમદાવાદના ભદ્રકાળી મંદિરે આઠમ પર ભક્તોની ભારે ભીડ, પાવાગઢમાં પણ દર્શનાર્થીઓનું ઘોડાપૂર

આસો નવરાત્રિના મહા આઠમના પવિત્ર દિવસે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન અને આશીર્વાદ મેળવવા વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. દર્શનાર્થીઓની લાઈન 1 કિલોમીટરથી વધુ લાંબી જોવા મળી હતી, જ્યાં શ્રદ્ધાળુઓ ઉત્સાહથી પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા.

બીજી તરફ, શક્તિપીઠ પાવાગઢમાં આવતીકાલે આઠમની ઉજવણી કરાશે. આજે સાતમું નોરતું અને રવિવારની રજા હોવાથી સવારના 5 વાગ્યાથી ગુજરાતભરમાંથી માઈભક્તો ઉમટી પડ્યા હતા. મંગળા આરતી સાથે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

નવરાત્રિ પર્વમાં મહા આઠમ (દુર્ગાષ્ટમી)ના દિવસનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહાત્મ્ય રહેલું છે. આ દિવસે માતાજીના શક્તિ સ્વરૂપની ખાસ આરાધના, હવન અને મહાઆરતી યોજવામાં આવે છે. માન્યતા મુજબ, આઠમના પવિત્ર દિવસે નગરદેવી ભદ્રકાળીના દિવ્ય સ્વરૂપના દર્શન અને આરતીનો લાભ લેવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે છે અને સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ જ કારણોસર આઠમના દિવસે ભદ્રકાળી મંદિરે માઈભક્તોનો ઘોડાપૂર જોવા મળે છે.

અમદાવાદ શહેરના ભદ્રના કિલ્લા પરિસરમાં આવેલું શ્રી ભદ્રકાળી મંદિર શહેરનું અત્યંત પ્રાચીન અને પૌરાણિક ધાર્મિક સ્થાન છે. ઈ.સ. 1411માં અહમદશાહ બાદશાહે અમદાવાદની સ્થાપના કરી તે પૂર્વેથી જ નગરદેવી તરીકે મા ભદ્રકાળી અહીં બિરાજમાન હોવાની માન્યતા છે. અમદાવાદની સ્થાપના અને સમૃદ્ધિ પાછળ નગરદેવીની કૃપા હોવાનું લોકમુખે કહેવાય છે. સમય જતાં ઐતિહાસિક બદલાવો વચ્ચે પણ આ મંદિર અમદાવાદ શહેરનું મુખ્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. નગરજનો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત નગરદેવી ભદ્રકાળી માતાજીના આશીર્વાદ લઈને જ કરે છે.

આસો નવરાત્રિના સાતમા નોરતા પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે માઈભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું હતું. સમગ્ર પાવાગઢ 'જય મહાકાળી'ના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. નવરાત્રિમાં માતાજીના દર્શનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી અને રજાનો દિવસ હોવાથી વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. માઈભક્તોએ યાત્રા કરી માતાજી સમક્ષ પરિવારની સુખ, શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી, જેના કારણે યાત્રાધામમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો હતો.

સવારે 5 વાગ્યે મંદિરનાં દ્વાર ખુલતાં જ માતાજીની મંગળા આરતીના દર્શન માટે માઈભક્તો ઉમટ્યા.

આવતીકાલે આઠમા નોરતે વર્ષો જૂની પરંપરા મુજબ સાંજે 4 વાગ્યે મંદિર પરિસરમાં ભવ્ય નવચંડી યજ્ઞ અને હવન-પૂજાનું આયોજન કરાયું છે. આ પવિત્ર ધાર્મિક પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર સાથે મા મહાકાળીની વિશેષ પૂજા-અર્ચના કરાશે અને હવનકુંડમાં નાળિયેર હોમી આરાધના કરાશે. આ યજ્ઞમાં મંદિર ટ્રસ્ટના સભ્યો, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં માઈભક્તો અને યાત્રાળુઓ જોડાશે. આ ભવ્ય હવન-પૂજા સાથે જ પાવાગઢ ખાતે નવરાત્રી ઉત્સવની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ કરાશે.

બનાસકાંઠા સ્થિત પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં આસો નવરાત્રિના આઠમા દિવસે ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારની મંગળા આરતીથી જ માઈભક્તો માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

નવરાત્રિના બીજા નોરતાથી આઠમ સુધી અંબાજી મંદિરમાં દરરોજ સવારે બે મંગળા આરતી થાય છે, જેમાં પ્રથમ આરતી ગર્ભગૃહમાં અને બીજી આરતી ઘટ સ્થાપના પાસે મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવે છે, જે સિદ્ધિવિનાયક મંદિરની આરતી બાદ શરૂ થાય છે. આ પવિત્ર અવસરે સમગ્ર અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. સતત આઠમા દિવસે પણ ધામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જળવાઈ રહ્યો છે. આજે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં હતાં.