ન્યુઝીલેન્ડના બેટ્સમેન બેવોન જેકોબ્સે એક જ વનડે ઇનિંગમાં 21 છગ્ગા ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 137 બોલમાં અણનમ 202 રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગા અને 21 છગ્ગાનો સમાવેશ થાય છે.
જેકોબ્સે ફોર્ડ ટ્રોફીમાં ઓકલેન્ડ એસિસ માટે ઓટાગો વોલ્ટ્સ સામે આ ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ માટે લિસ્ટ-એ ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ પણ તેના નામે થયો છે. વિશ્વ રેકોર્ડમાંથી તે માત્ર ત્રણ છગ્ગા દૂર રહી ગયો હતો. ઓસ્ટ્રેલિયાના ડાયાર્ચી શોટ્સે 23 છગ્ગા સાથે આ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
આંતરરાષ્ટ્રીય વનડેની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ઇયોન મોર્ગનના નામે છે. મોર્ગને 2019માં અફઘાનિસ્તાન સામેની મેચમાં 17 છગ્ગા ફટકાર્યા હતા. ભારતના રોહિત શર્મા 16 છગ્ગા સાથે બીજા સ્થાને છે. તેણે 2013માં ઓસ્ટ્રેલિયા સામે 16 છગ્ગા ફટકાર્યા હતા.
મેચમાં ઓકલેન્ડ એસિસે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 334 રન બનાવ્યા. જેકોબ્સ સિવાયનો કોઈ પણ બેટ્સમેન 50 રનથી આગળ ન જઈ શક્યો. ઓટાગો માટે એમબી બેકન, એલઆઈ જ્યોર્જસન અને બીએનજે લોકરોઝે બે-બે વિકેટ લીધી, જ્યારે ટીસી ઓ'કોનોર અને જેટી ટોડેને એક-એક વિકેટ મળી.
લક્ષ્યનો પીછો કરતા ઓટાગો વોલ્ટ્સે 49.1 ઓવરમાં 5 વિકેટે 338 રન બનાવીને મેચ જીતી લીધી. એમડબ્લ્યુ ચુએ 55 બોલમાં 75 રન ફટકાર્યા, જેમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. ઓપનર બોલિયેએ 62 રન (પાંચ ચોગ્ગા, એક છગ્ગો) અને ટીકે પાર્ક્સે સાત ચોગ્ગાની મદદથી 55 રન બનાવ્યા. ઓકલેન્ડ તરફથી આરડી હેરિસને બે વિકેટ મળી.