સત્ય. સાહસ. સંકલ્પ.

બેતિયામાં સેન્કો ગોલ્ડ શોરૂમમાં ધોળા દિવસે ₹30 કરોડની લૂંટ, 9 સશસ્ત્ર લૂંટારુઓએ કર્મચારીઓને બંધક બનાવ્યા

બેતિયામાં સેન્કો ગોલ્ડ શોરૂમમાં ધોળા દિવસે ₹30 કરોડની લૂંટ, 9 સશસ્ત્ર લૂંટારુઓએ કર્મચારીઓને બંધક બનાવ્યા

બિહારના બેતિયા શહેરમાં બુધવારે બપોરે એક મોટી સશસ્ત્ર લૂંટની ઘટના બની છે. શહેરના વ્યસ્ત વિસ્તાર સુપ્રિયા સિનેમા રોડ પર આવેલા સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ શોરૂમમાં આશરે 8થી 9 હથિયારધારી શખ્સોએ ઘૂસીને કર્મચારીઓને બંધક બનાવી લીધા હતા અને લૂંટ ચલાવી હતી. પ્રાથમિક અંદાજ મુજબ લૂંટાયેલા સોના, ચાંદી અને હીરાના દાગીનાની કિંમત ₹30 કરોડથી વધુ હોઈ શકે છે.

મળતી માહિતી અનુસાર લૂંટારુઓએ શોરૂમમાં પ્રવેશતાં જ કર્મચારીઓને હથિયાર બતાવીને ડરાવ્યા હતા અને બધાને એક જગ્યાએ બંધક બનાવી દીધા હતા. કેટલાક કર્મચારીઓએ વિરોધ કરવાનો પ્રયાસ કરતાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. શોરૂમના સુરક્ષા ગાર્ડને પણ ગંભીર ઈજા થઈ છે; લૂંટારુઓએ પિસ્તોલના બટથી તેમના માથા પર હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે.

લૂંટારુઓએ શોરૂમના બંને માળમાંથી દાગીના એકઠા કર્યા બાદ હથિયારના જોરે કર્મચારીઓને ડરાવીને ફરાર થઈ ગયા હતા. આખી ઘટના શોરૂમમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં લૂંટારુઓ હથિયાર સાથે શોરૂમમાં પ્રવેશતા અને કર્મચારીઓને કાબૂમાં લેતા જોઈ શકાય છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ડીઆઈજી, એસપી અને ડીએસપી સહિતના અધિકારીઓએ શોરૂમની મુલાકાત લઈને તપાસ શરૂ કરી છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને લૂંટારુઓની ઓળખ માટે તપાસ હાથ ધરી છે. આરોપીઓની સંખ્યા 8થી 9 હોવાની પ્રાથમિક માહિતી છે.

શોરૂમમાંથી કેટલા પ્રમાણમાં દાગીના લૂંટાયા તેની ચોક્કસ વિગતો હજુ સામે આવી નથી. શોરૂમના માલિક અને કર્મચારીઓ સ્ટોકની ગણતરી કરી રહ્યા છે. ભરચક વિસ્તારમાં ધોળા દિવસે થયેલી આ લૂંટે શહેરની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસે આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.