હવે કોલેજના અભ્યાસથી લઈને ઓફિસના કામ સુધી લેપટોપ ઘરે ઘરે જરૂરી બની ગયું છે. પણ નવું લેપટોપ લેવાનું આવે ત્યારે સૌ પહેલાં બજેટ જોવાય છે. ઘણાને થાય છે કે સારા લેપટોપ માટે 50થી 60 હજાર રૂપિયા તો ખર્ચવા જ પડશે. જોકે હવે 30 હજાર રૂપિયાની અંદર પણ એવા લેપટોપ મળે છે જેમાં મોટી સ્ક્રીન, SSD સ્ટોરેજ અને સારું બેટરી બેકઅપ છે.
જો તમે વિદ્યાર્થી છો અથવા ઘરેથી ઓનલાઈન કામ કરો છો અને બ્રાઉઝિંગ, કોડિંગ, પ્રેઝન્ટેશન બનાવવા તથા મૂવી જોવા માટે લેપટોપ જોઈએ છે, તો આ બજેટના લેપટોપ તમારા માટે પૂરતા છે.
HP અને Lenovo
જાણીતી બ્રાન્ડમાં 30 હજારની અંદર Lenovo અને HP સૌથી પહેલાં આવે છે. આ રેન્જમાં Lenovo V15 અને IdeaPad Slim 3 સિરીઝ પસંદ કરવામાં આવે છે. તેમાં Intel Celeron તથા AMD Athlon કે Ryzen 3 પ્રોસેસર મળે છે, જે ઓનલાઈન ક્લાસ લેવા અને MS ઓફિસના કામ માટે યોગ્ય છે. આ લેપટોપમાં જૂની હાર્ડ ડિસ્કની જગ્યાએ 256GB કે 512GBની ઝડપી SSD મળે છે, જેથી લેપટોપ થોડી સેકન્ડમાં ચાલુ થઈ જાય છે.
આ જ બજેટમાં HP 15s અને HP 255 G9 સિરીઝ પણ સારું પરફોર્મન્સ આપે છે. તેમાં 15.6 ઈંચની મોટી એન્ટી-ગ્લેર સ્ક્રીન મળે છે, જેથી કલાકો સુધી કામ કર્યા પછી પણ આંખો પર જોર પડતું નથી. 8GB રેમ હોવાથી એકસાથે ઘણા ટેબ ખોલીને કામ કરવું સરળ બને છે.
ASUS અને Acer
ઓછા બજેટમાં હળવું, પાતળું અને દેખાવમાં સારું લેપટોપ જોઈએ તો ASUS VivoBook Go 14 અને VivoBook 15 સિરીઝ જોઈ શકાય. આશરે 28થી 30 હજાર રૂપિયામાં મળતા આ લેપટોપનું વજન ઓછું છે. તેમાં ફૂલ HD ડિસ્પ્લે, 180 ડિગ્રી સુધી વળી શકતું હિંજ અને ફિઝિકલ વેબકેમ શટર જેવી સુવિધા છે.
આ ઉપરાંત Acer Aspire Lite અને Extensa 15 પણ આ બજેટમાં સારા વિકલ્પ છે. Acerના આ મોડેલમાં મેટલ જેવો મજબૂત લુક અને Intel Core i3 કે Ryzen 3ના શરૂઆતના વેરિઅન્ટ મળે છે. એક વાર પૂરો ચાર્જ થાય પછી તેની બેટરી 6થી 7 કલાકનું બેકઅપ આપે છે.
ખરીદતી વખતે આ ધ્યાન રાખો
ઓછા બજેટમાં લેપટોપ પસંદ કરતી વખતે થોડી ટેકનિકલ બાબતો ધ્યાનમાં રાખશો તો લેપટોપ વર્ષો સુધી ચાલશે. સૌથી પહેલાં આ કિંમતમાં 4GB રેમવાળું લેપટોપ ન લેવું. ઓછામાં ઓછું 8GB રેમવાળું મોડેલ જ પસંદ કરો, જેથી એકસાથે ઘણા કામ કરતી વખતે સિસ્ટમ ધીમી ન પડે. સાથે જ જરૂર પડે ત્યારે રેમ અને સ્ટોરેજ વધારવાનો સ્લોટ છે કે નહીં તે પણ ચકાસી લો.
બીજી જરૂરી બાબત સ્ટોરેજનો પ્રકાર છે. હંમેશાં SSD સ્ટોરેજવાળું લેપટોપ જ લેવું, કારણ કે તે પરંપરાગત HDD કરતાં ઘણું ઝડપી કામ કરે છે. આ ઉપરાંત લેપટોપમાં ટાઈપ-C પોર્ટ, HDMI પોર્ટ અને Wi-Fi 6 જેવી નવી કનેક્ટિવિટી છે કે નહીં તે પણ જોઈ લેવું.