આજના દોડધામભર્યા જીવનમાં હૃદયને સ્વસ્થ રાખવું એ મોટો પડકાર બન્યો છે. ખરાબ જીવનશૈલી અને અયોગ્ય ખાનપાનને કારણે હૃદયરોગનું જોખમ વધી રહ્યું છે. પરંતુ આપણો રોજિંદો આહાર સ્વસ્થ હૃદય માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
કેટલીક કુદરતી વસ્તુઓ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, જેમાં માછલીનો મુખ્ય સમાવેશ થાય છે. કેટલીક માછલીઓમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં મળે છે. આ પોષક તત્વ હૃદયના ધબકારા નિયમિત રાખવામાં મદદ કરે છે અને લોહીમાં ટ્રાઇગ્લિસરાઇડ એટલે કે ખરાબ ચરબીનું સ્તર ઘટાડવામાં પણ ઉપયોગી છે.
સૅલ્મોન અને મેકરેલ જેવી માછલીઓ યોગ્ય માત્રામાં ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે. સૅલ્મોન અને ઓઇસ્ટર શેલફિશ ઓમેગા-3થી ભરપૂર હોય છે. તેમાં રહેલા EPA અને DHA શરીર અને મગજ માટે જરૂરી પોષક તત્વો છે, જે શરીરમાં સોજો અને આંતરિક બળતરા ઘટાડવામાં મદદ કરે છે. સંતુલિત આહારના ભાગ રૂપે આ માછલીઓનું નિયમિત સેવન હૃદયને લાંબા સમય સુધી મજબૂત રાખે છે.
સારડીન નાની પણ ચરબીયુક્ત માછલી છે, જેને સ્વાસ્થ્ય નિષ્ણાતો ઓમેગા-3નો શ્રેષ્ઠ સ્ત્રોત માને છે. તેમાં ઓમેગા-3 ઉપરાંત ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન અને વિટામિન B12 જેવા પોષક તત્વો પણ છે. જોકે માછલી રાંધવાની રીત તેના ફાયદાઓ પર સીધી અસર કરે છે. નિષ્ણાતોના મતે માછલીને વધુ તેલમાં તળવાને બદલે ગ્રીલ કરવી, વરાળથી બાફવી અથવા ખૂબ ઓછા તેલમાં રાંધવી જોઈએ. આમ કરવાથી વધારાનું ખરાબ તેલ અને બિનજરૂરી કેલરી ટાળી શકાય છે, જે વજન અને હૃદય બંને માટે ફાયદાકારક છે.
અમેરિકન હાર્ટ એસોસિએશનની ભલામણ મુજબ હૃદય સ્વસ્થ રાખવા અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વાર માછલી ખાવી જોઈએ. એક વ્યક્તિ એક સમયે અંદાજે 85 ગ્રામ રાંધેલી માછલી ખાઈ શકે છે. જોકે બજારમાંથી માછલી ખરીદતી વખતે તેમાં પારાનું પ્રમાણ ઓછું હોય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
માત્ર માછલી ખાવાથી હૃદયરોગનું જોખમ સંપૂર્ણપણે શૂન્ય થતું નથી. સાથે લીલા શાકભાજી, તાજા ફળો અને આખા અનાજનો પણ આહારમાં સમાવેશ કરવો જોઈએ. નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને વજન નિયંત્રણમાં રાખવું પણ એટલું જ જરૂરી છે.
(નોંધ: આહારમાં મોટો ફેરફાર કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી.)