ભારતમાં નવી કાર ખરીદતી વખતે મોટા ભાગના લોકો બજેટ અને જગ્યાને સૌથી વધુ મહત્ત્વ આપે છે. જો તમારું બજેટ ₹10 લાખની આસપાસ હોય અને તમે પરિવાર માટે એવી કાર શોધી રહ્યા હો કે જેમાં મુસાફરી વખતે બેગ અને જરૂરી સામાન સરળતાથી સમાઈ જાય, તો સેડાન કાર સારો વિકલ્પ છે.
જે લોકોને SUVની વધુ પડતી ઊંચાઈ પસંદ નથી અને રસ્તા પર આરામદાયક ડ્રાઇવિંગ ઇચ્છે છે, તેઓ સેડાન પસંદ કરે છે. આ કારની ખાસ વાત એ છે કે ₹10 લાખથી ઓછી કિંમતમાં પણ કેટલાક મોડલમાં પેટ્રોલ સાથે CNG અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળી રહે છે.
જોકે, કાર ખરીદતી વખતે માત્ર કિંમત કે બૂટ સ્પેસ જ નહીં, પણ માઇલેજ, સર્વિસિંગ ખર્ચ, સેફ્ટી ફીચર્સ અને રોજના ઉપયોગને પણ ધ્યાનમાં લેવો જોઈએ. આવો, જાણીએ ₹10 લાખના બજેટમાં આવતી ચાર ફેમિલી સેડાન કાર વિશે.
1. મારુતિ સુઝુકી ડિઝાયર
₹10 લાખના બજેટમાં મારુતિ સુઝુકી ડિઝાયર લોકોની પહેલી પસંદ હોય છે. તેની એક્સ-શોરૂમ કિંમત અંદાજે ₹6.3 લાખથી શરૂ થાય છે અને ટોપ વેરિઅન્ટ લગભગ ₹9.5 લાખ સુધી જાય છે. કારમાં 382 લિટરની બૂટ સ્પેસ છે.
ડિઝાયરની મુખ્ય ખાસિયત ઓછો મેન્ટેનન્સ ખર્ચ અને સારી માઇલેજ છે. શહેરમાં રોજના ઉપયોગ માટે આ કાર ચલાવવી સરળ છે. આ મોડલ પેટ્રોલ અને CNG બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જે તેને રોજના ઉપયોગ અને લાંબી મુસાફરી બંને માટે યોગ્ય બનાવે છે.
2. હ્યુન્ડાઇ ઓરા
જો તમે કારમાં લેટેસ્ટ ફીચર્સ અને કેબિનના આરામને પ્રાધાન્ય આપતા હો, તો હ્યુન્ડાઇ ઓરા સારો વિકલ્પ છે. તેની શરૂઆતી કિંમત આશરે ₹6 લાખ છે અને ટોપ વેરિઅન્ટ લગભગ ₹8.67 લાખ સુધીમાં મળે છે.
ઓરામાં 402 લિટરની બૂટ સ્પેસ છે. આ કાર પેટ્રોલ અને CNG બંને એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેની કેબિન આરામદાયક અને પ્રીમિયમ ફીલ આપે છે, જે તેને શહેરના દૈનિક વપરાશ માટે યોગ્ય બનાવે છે.
3. ટાટા ટિગોર
જેમનું બજેટ થોડું ઓછું છે પણ ડિકીમાં વધુ જગ્યા જોઈએ છે, તેમના માટે ટાટા ટિગોર મજબૂત વિકલ્પ છે. તેની શરૂઆતી કિંમત માત્ર ₹5.5 લાખની આસપાસ છે, જ્યારે ટોપ મોડલ ₹8.7 લાખ સુધીમાં આવે છે.
ટિગોર 419 લિટરની બૂટ સ્પેસ આપે છે. પારિવારિક પ્રવાસ, લગ્નપ્રસંગ કે લાંબી મુસાફરીમાં આટલી મોટી ડિકી ઉપયોગી સાબિત થાય છે. આ કાર પણ પેટ્રોલ અને CNG વિકલ્પો સાથે આવે છે. જે લોકો રોજનું ઘણું ડ્રાઇવિંગ કરે છે તેમના માટે CNG મોડલ ફાયદાકારક પડે છે.
4. હોન્ડા અમેઝ
જો તમે સેડાનમાં થોડો વધુ પ્રીમિયમ અનુભવ અને મોટી બૂટ સ્પેસ ઇચ્છતા હો, તો હોન્ડા અમેઝ સારો વિકલ્પ છે. ભારતમાં તેની કિંમત લગભગ ₹7.5 લાખથી શરૂ થઈને ₹10 લાખ સુધી પહોંચે છે. આ કાર 416 લિટરની બૂટ સ્પેસ સાથે આવે છે.
હોન્ડા અમેઝમાં 1.2-લિટરનું પેટ્રોલ એન્જિન છે. તેમાં મેન્યુઅલ સાથે સ્મૂથ CVT ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ પણ મળે છે. જો તમે શહેરના ભારે ટ્રાફિકમાં વારંવાર ગિયર બદલવાની ઝંઝટથી મુક્તિ મેળવવા માંગતા હો, તો ઓટોમેટિક વેરિઅન્ટ યોગ્ય રહેશે.
આ બજેટમાં સેડાન કાર પરિવાર માટે પૂરતી જગ્યા, સામાન માટે મોટી બૂટ સ્પેસ અને આરામદાયક ડ્રાઇવિંગ આપે છે. તેમાં પેટ્રોલ, CNG અને ઓટોમેટિક ગિયરબોક્સ જેવા વિકલ્પો પણ મળે છે. કાર ખરીદતી વખતે કિંમત અને બૂટ સ્પેસ ઉપરાંત માઇલેજ, સેફ્ટી અને સર્વિસ નેટવર્ક પણ તપાસવું જરૂરી છે.