રસોઈમાં વપરાતું તેલ આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. દરેક ઘરમાં અલગ-અલગ તેલનો ઉપયોગ થાય છે, પરંતુ શું દરેક તેલ આપણા માટે ફાયદાકારક છે? નિષ્ણાતોના મતે, કેટલાક તેલ હૃદય માટે ઉત્તમ છે, તો કેટલાક તેલનું વધુ સેવન નુકસાનકારક બની શકે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે કયું તેલ સ્વાસ્થ્ય માટે સારું છે અને કયાનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ.
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તેલ:
એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ: આ તેલ એન્ટિઓક્સિડન્ટ્સ અને હેલ્ધી ફેટ્સ (ઓમેગા-3 અને ઓમેગા-6)થી ભરપૂર છે, જે હૃદય રોગનું જોખમ ઘટાડવામાં અને શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે.
રાઇસ બ્રાન ઓઇલ: તેમાં ગામા ઓરાઇઝેનોલ નામનું એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ જાળવવામાં મદદ કરે છે.
સરસવનું તેલ: તેમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ ભરપૂર હોય છે, જે હૃદયની તબિયત સુધારવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
મગફળીનું તેલ: તે હૃદયના સ્વાસ્થ્ય અને ઇન્સુલિન સેન્સિટિવિટી માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ગુડ ફેટ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને હાર્ટ ડિસીઝનું જોખમ ઘટાડે છે.
તલનું તેલ: તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે અને તે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્ય માટે નુકસાનકારક તેલ:
સનફ્લાવર ઓઇલ: તેમાં ઓમેગા-6નું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે શરીરમાં સોજો વધારી શકે છે. જો તેનો ઉપયોગ કરો તો હાઇ ફ્લેમ પર ગરમ ન કરો અને વારંવાર ગરમ કરવાનું ટાળો.
ઘી: ઘી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તેમાં સેચ્યુરેટેડ ફેટ વધુ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ વધારી શકે છે. તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું સારું.
નાળિયેરનું તેલ: અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તેને રસોઈ માટે સારું તેલ માનતા નથી. તે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઝડપથી વધારી શકે છે.
સોયાબીન ઓઇલ: તે ખૂબ જ રિફાઇન્ડ હોય છે અને ઓમેગા-6 ફેટી એસિડથી ભરપૂર હોય છે, તેથી નિષ્ણાતો તેનો ઉપયોગ ટાળવાની સલાહ આપે છે.
ડિસ્ક્લેમર: આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ આહારમાં ફેરફાર કરતા પહેલા અથવા સ્વાસ્થ્ય સંબંધિત નિર્ણય લેતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.