સત્ય. સાહસ. સંકલ્પ.

બર્મુડા ટ્રાયંગલમાં નાનું વિમાન ગુમ: દાદા-દાદી અને બે પૌત્રોના મૃતદેહ મળ્યા

બર્મુડા ટ્રાયંગલમાં નાનું વિમાન ગુમ: દાદા-દાદી અને બે પૌત્રોના મૃતદેહ મળ્યા

બહામાસથી મિયામી પરત ફરી રહેલું નાનું વિમાન બર્મુડા ટ્રાયંગલ વિસ્તારમાં ગુમ થઈ ગયા બાદ તેમાં સવાર ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના બહામાસના આંદ્રોસ આયલેન્ડ નજીક બની હતી.

મળતી માહિતી અનુસાર, ફ્લોરિડાનું એક દંપતી અને તેમના બે પૌત્ર-પૌત્રી પાંચ સીટર પાઇપર પીટી-34 વિમાનમાં સવાર હતા. તેઓ સોમવારે સવારે 11:15 વાગ્યે બહામાસના ગ્રેટ હાર્બર કેકેથી મિયામી એક્ઝિક્યુટિવ એરપોર્ટ જવા રવાના થયા હતા. મિયામી પરત ફરતી વખતે વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

રોયલ બહામાસ પોલીસ ફોર્સના જણાવ્યા અનુસાર, વિમાન 80 વર્ષીય માલિયો લમાર ચલાવી રહ્યા હતા, જેમની પાસે 40 વર્ષનો ઉડ્ડયનનો અનુભવ હતો. તેમની સાથે તેમની 79 વર્ષીય પત્ની લિલી લમાર તથા પૌત્રી સોફી સોસા (28) અને પૌત્ર ક્રિશ્ચિયન સોસા (22) પણ સવાર હતા. આખો પરિવાર બહામાસમાં લેબર ડે વીકેન્ડ વિતાવીને પરત ફરી રહ્યો હતો.

વિમાનનો સંપર્ક તૂટ્યા બાદ પરિવારે સત્તાવાળાઓને જાણ કરી હતી. મંગળવારે બહામાસના સૌથી મોટા ટાપુ આંદ્રોસ નજીક વિમાન ક્રેશ થયાની માહિતી મળી. પરિવારે ભારે દુઃખ સાથે પુષ્ટિ કરી છે કે તેમના સ્વજનોના મૃતદેહ મળી આવ્યા છે અને પરિજનોએ પોતાની હોડીઓ દ્વારા તેમને બહાર લાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બર્મુડા ટ્રાયંગલ એવો વિસ્તાર છે જ્યાં અગાઉ પણ અનેક જહાજો અને વિમાનો રહસ્યમય સંજોગોમાં ગાયબ થયા છે. જોકે, આ ઘટનાની તપાસ સત્તાવાળાઓ દ્વારા ચાલી રહી છે.