બંગાળી ખાવાનું નામ સાંભળતાં જ ઘણા લોકોને માછલી અને નોન-વેજ વાનગીઓ યાદ આવે છે. પરંતુ બંગાળની રસોઈમાં વેજિટેરિયન વાનગીઓની પણ લાંબી પરંપરા છે. એમાંની એક છે ‘કનાર પાતુરી’ — પનીર, નાળિયેર અને કોળાના પાંદડામાં બનતી વાનગી.
આ વાનગીને બંગાળમાં શાહી વાનગી ગણવામાં આવે છે. તેનો સ્વાદ એટલો સમૃદ્ધ હોય છે કે ઘણા લોકો તેને નોન-વેજ વાનગીઓ સાથે સરખાવે છે. જો તમે આ વીકેન્ડમાં કંઈક હટકે વેજિટેરિયન બનાવવા માંગતા હો, તો આ રેસિપી અજમાવી શકો છો.
સામગ્રી:
250 ગ્રામ પનીર, 2 મોટી ચમચી છીણેલું નાળિયેર, 1 નાની ચમચી લીંબુનો રસ, 2 કોળાના પાંદડા, 3 નાની ચમચી સરસવનું તેલ, 1/2 નાની ચમચી ખાંડ, 1/2 નાની ચમચી હળદર, 3-4 લીલા મરચાં, 1/4 ચમચી રાઈ, 1 નાની ચમચી પાણી અને સ્વાદાનુસાર મીઠું.
બનાવવાની રીત:
સૌથી પહેલાં 1/4 ચમચી રાઈને 15-20 મિનિટ પાણીમાં પલાળી રાખો. પછી પાણી નિતારીને રાઈ, છીણેલું નાળિયેર, લીલા મરચાં અને 1 નાની ચમચી પાણી મિક્સરમાં પીસી લો.
હવે એક મોટા વાસણમાં પનીર લો અને તેમાં તૈયાર કરેલી નાળિયેર-મરચાંની પેસ્ટ ઉમેરો. તેમાં હળદર, લીંબુનો રસ, ખાંડ અને મીઠું મિક્સ કરો. બધું 5-6 મિનિટ સારી રીતે મિક્સ કરીને થોડી વાર મેરિનેટ થવા દો.
કોળાના પાંદડા ધોઈને સુકાવા માટે રાખો. પછી તેના પર સરસવનું તેલ લગાવીને પનીરનું મિશ્રણ મૂકો. ઉપર બીજું પાંદડું ઢાંકી દો. બંને પાંદડાને ટુથપિક કે દોરાથી બાંધી લો.
ગૅસ પર નોન-સ્ટીક તવો મૂકો અને તેના પર સરસવનું તેલ લગાવો. તેના પર બાંધેલા પાંદડાને બંને બાજુથી શેકી લો. જ્યારે તે હળવા ભૂરા રંગના થાય, ત્યારે સમજો કે કનાર પાતુરી તૈયાર છે.
આ વાનગીને બાફેલા ભાત સાથે પીરસો. બંગાળની આ પરંપરાગત વેજ ડિશ ગુજરાતી રસોઈમાં પણ એક નવો સ્વાદ ઉમેરશે.