સત્ય. સાહસ. સંકલ્પ.

બંગાળની બે બેઠકોની પેટાચૂંટણી: શરૂઆતી વલણમાં ભાજપ આગળ, પોસ્ટલ બેલેટમાં લીડ

બંગાળની બે બેઠકોની પેટાચૂંટણી: શરૂઆતી વલણમાં ભાજપ આગળ, પોસ્ટલ બેલેટમાં લીડ

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ છે. બંને બેઠકો પર કડક સુરક્ષા વચ્ચે મતગણતરી ચાલી રહી છે. શરૂઆતી વલણોમાં ભાજપે પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળની સ્થિતિ બનાવી છે.

રેજીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર સખારોવ સરકાર પોસ્ટલ બેલેટની ગણતરીમાં 15 હજારથી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ, નંદીગ્રામ બેઠક પર ભાજપનાં ઉમેદવાર હંશીરાની રથ પણ શરૂઆતી ગણતરીમાં આગળ છે. કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાન બીજા સ્થાન પર ચાલી રહ્યા છે. નંદીગ્રામમાં પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, બંને બેઠકોના આશરે 5.24 લાખ મતદારોમાંથી લગભગ 80 ટકા લોકોએ મતદાન કર્યું હતું. નંદીગ્રામમાં 80.89 ટકા અને રેજીનગરમાં 80.08 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન દરમિયાન મતદારોને ડરાવવા-ધમકાવવાના અને બૂથ સ્તરે છૂટીછવાઈ અથડામણો થવાના આક્ષેપો પણ સામે આવ્યા હતા.

આ પેટાચૂંટણી ભાજપ માટે ખાસ મહત્ત્વની છે, કારણ કે મે મહિનામાં પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવ્યા બાદ આ પ્રથમ ચૂંટણી કસોટી છે. નંદીગ્રામ બેઠકનું બંગાળના રાજકારણમાં ખૂબ મહત્ત્વ છે. ભાજપના નેતા અને મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ 2026ની ચૂંટણીમાં આ બેઠક પર જીત મેળવી હતી, પરંતુ ભવાનીપુર બેઠક પર પણ જીત્યા હોવાથી તેમણે નંદીગ્રામ બેઠક છોડી દીધી હતી, જેના કારણે અહીં પેટાચૂંટણી યોજાઈ છે.

રેજીનગર બેઠક પર પેટાચૂંટણીનું કારણ અલગ છે. ઓલ ઇન્ડિયા ઉન્નયન પાર્ટી (AJUP)ના અધ્યક્ષ હુમાયુ કબીરે રેજીનગર બેઠક છોડી દીધી હતી. આ બેઠક પર ભાજપ, તૃણમૂલ કોંગ્રેસ અને AJUP વચ્ચે જોરદાર મુકાબલો છે. શરૂઆતી વલણોમાં ભાજપ આગળ દેખાય રહ્યું છે, પરંતુ અંતિમ પરિણામ આવ્યા બાદ જ જીત-હારની સ્થિતિ સ્પષ્ટ થશે.