સત્ય. સાહસ. સંકલ્પ.

બંગાળની ખાડીમાં લો-પ્રેશર: અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ભૂસ્ખલનની ચેતવણી

બંગાળની ખાડીમાં લો-પ્રેશર: અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ભૂસ્ખલનની ચેતવણી

બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લો-પ્રેશર સિસ્ટમના કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના વિસ્તારો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જેના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને નદીઓમાં જળસ્તર વધવાની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર તટીય ઓડિશા અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર સારી રીતે ચિહ્નિત લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમના કારણે નીચલા સ્તરે સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યંત મજબૂત બન્યું છે, જેના લીધે ગંગાના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ ઊભી થઈ છે.

રાજધાની દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં 7 સપ્ટેમ્બરે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. અહીં ભારે વરસાદ સાથે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને ટ્રાફિક જામ સર્જાઈ શકે છે.

ઉત્તરાખંડના દેહરાદૂન, નૈનીતાલ, મસૂરી, ઋષિકેશ, ચમોલી, ઉત્તરકાશી અને પિથોરાગઢમાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ નોંધપાત્ર રીતે વધ્યું છે.

હિમાચલ પ્રદેશના શિમલા, મનાલી, મંડી, કુલ્લુ, કાંગડા, ચંબા અને સોલનમાં 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદનું એલર્ટ છે. જમ્મુ-કાશ્મીરના જમ્મુ, ઉધમપુર, રામબન, અનંતનાગ અને શ્રીનગરમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, જ્યાં સંવેદનશીલ વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી અપાઈ છે.

ઉત્તર પ્રદેશના પશ્ચિમ અને પૂર્વ બંને ભાગોમાં ભારે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાવાની આગાહી છે. મેરઠ, મુરાદાબાદ, ગાઝિયાબાદ, આગ્રા, મથુરા, બરેલી, કાનપુર, લખનૌ, પ્રયાગરાજ, વારાણસી અને ગોરખપુર સહિતના જિલ્લાઓમાં આ સ્થિતિ રહેશે.

બિહારના પટના, ગયા, મુઝફ્ફરપુર, ભાગલપુર, પૂર્ણિયા સહિત મોટાભાગના જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ અને 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

પંજાબ અને હરિયાણાના પઠાણકોટ, જલંધર, લુધિયાણા, પટિયાલા, અંબાલા, હિસાર અને કરનાલમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની ચેતવણી છે. રાજસ્થાનના જયપુર, કોટા, ઉદયપુર, ભરતપુર, અજમેર અને અલવર સહિત પૂર્વી રાજસ્થાનમાં પણ વરસાદ અને ભારે પવનનું એલર્ટ છે.

મધ્ય પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે.