સત્ય. સાહસ. સંકલ્પ.

બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટ: એક જ પરિવારની ચાર મહિલાઓનું મોત, બે ગંભીર રીતે દાઝ્યા

બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટ: એક જ પરિવારની ચાર મહિલાઓનું મોત, બે ગંભીર રીતે દાઝ્યા

કર્ણાટકના બેલગાવીમાં સોમવારે મોડી રાત્રે એક ઘરમાં ફ્રિજમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારની ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના માર્કેટ પોલીસ સ્ટેશન વિસ્તારની ચાવટ ગલ્લીમાં બની હતી.

મૃતકોમાં ભારતી ધમોને (50), શારદા ધમોને (45), ગંગા ધમોને (25) અને પ્રિયા ધમોને (24)નો સમાવેશ થાય છે. ગંભીર રીતે દાઝેલા ગજાનન ધમોને (65) અને રોશન ધમોને (21)ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શારદા, ગજાનનના પત્ની હતા અને ભારતી તેમની બહેન હતી. પ્રિયા અને ગંગા તેમની દીકરીઓ છે, જ્યારે રોશન તેમનો દીકરો છે.

પ્રાથમિક તપાસ અનુસાર, ઘરમાં રાખેલા ફ્રિજમાં અચાનક બ્લાસ્ટ થયો અને થોડી જ વારમાં આગની જ્વાળાઓએ આખા ઘરને ઘેરી લીધું. ઘરમાં સૂતેલા સભ્યો બહાર નીકળી શક્યા નહીં અને અંદર ફસાઈ ગયા. ધમોનો પરિવાર ગણેશ ચતુર્થીની ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો અને ઘરમાં ગણેશજીની મૂર્તિ પણ સ્થાપના માટે લાવી રાખી હતી. રાત્રિ ભોજન બાદ પરિવારના સભ્યો સૂઈ ગયા હતા અને ફ્રિજ તેમની નજીક જ હતું.

સ્થાનિક રહીશોને રાત્રે આશરે 2:15 વાગ્યે જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો. પાડોશીઓ મદદ માટે દોડી આવ્યા ત્યારે ઘરમાં ભીષણ આગ લાગેલી હતી. લોકોએ મહામહેનતે ગજાનન અને રોશનને બહાર કાઢ્યા, પરંતુ અન્ય ચાર સભ્યો ગંભીર રીતે બળી જતાં તેમનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, ગજાનન અને રોશન આશરે 60 ટકા દાઝી ગયા છે.

ધડાકો એટલો તીવ્ર હતો કે ઘરનું પતરું તૂટી ગયું અને મોટાભાગનો સામાન બળીને રાખ થઈ ગયો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ ફ્રિજમાં બ્લાસ્ટ થયો હોવાનું સ્પષ્ટ છે, પરંતુ બ્લાસ્ટના ચોક્કસ કારણની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ગણેશજીની મૂર્તિની આસપાસ લાઈટિંગનું ડેકોરેશન કરવામાં આવ્યું હોવાથી શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા છે. આ મામલે કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગજાનન સુથારીકામ કરતા હતા અને અન્ય સભ્યો આસપાસની દુકાનો કે ઘરોમાં કામ કરતા હતા.