મુંબઈ: ટીમ ઈન્ડિયાના ટેસ્ટ અને વન-ડે કેપ્ટન શુભમન ગિલ અને T20 કેપ્ટન શ્રેયસ અય્યર ગુરુવારે મુંબઈ સ્થિત BCCI હેડક્વાર્ટર ખાતે રિવ્યૂ મિટિંગ માટે પહોંચ્યા હતા. તેમની સાથે હેડ કોચ ગૌતમ ગંભીર અને સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE)ના હેડ વીવીએસ લક્ષ્મણ પણ હાજર રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ભારતીય ટીમના તાજેતરના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવશે, જ્યારે વન-ડે વર્લ્ડ કપ 2027ની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ શકે છે. આ મિટિંગ અગાઉ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ યોજાવાની હતી, પરંતુ શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોના કારણે તેમાં વિલંબ થયો હતો.
બેઠકમાં BCCI સેક્રેટરી દેવજીત સાકિયા અને BCCI અધ્યક્ષ મિથુન મનહાસ પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે ડિફેન્ડિંગ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતને જૂનમાં આયર્લેન્ડ સામે બે મેચની T20 સિરીઝમાં 2-0થી અને ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 સિરીઝમાં 4-0થી હાર મળી હતી. વન-ડે સિરીઝમાં પણ ભારતને 2-1થી પરાજય સ્વીકારવો પડ્યો હતો.
આ સિરીઝમાં શ્રેયસ અય્યરે કેપ્ટનશીપ કરી હતી, જ્યારે શુભમન ગિલે વન-ડે સિરીઝમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. હવે ભારતને અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 સિરીઝ રમવાની છે, જેમાં શ્રેયસ અય્યર કેપ્ટન અને તિલક વર્મા વાઇસ-કેપ્ટન હશે.
સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે, પરંતુ તેનું રમવું ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર છે. તેની સાથે નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણાને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.