મુંબઈ: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમના નબળા પ્રદર્શન બાદ BCCIએ સમીક્ષા બેઠક બોલાવી છે. હેડ કોચ ગૌતમ ગંભીર, ચીફ સિલેક્ટર અજીત અગરકર અને સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)ના હેડ વીવીએસ લક્ષ્મણ આજે મુંબઈ સ્થિત બોર્ડના મુખ્યાલયમાં મળશે.
બેઠકમાં વિદેશી પ્રવાસો પર ટીમના પ્રદર્શનની સમીક્ષા સાથે 2027ના વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આગળની રણનીતિ પર ચર્ચા થશે. ખેલાડીઓની ઈજા, IPLના વર્કલોડ અને ટીમ મેનેજમેન્ટ, CoE અને પસંદગી સમિતિ વચ્ચેના સંચાર પણ ચર્ચાના મુખ્ય મુદ્દા રહેશે.
ભારતને જૂનમાં આયર્લેન્ડ સામે T20I સિરીઝમાં 0-2થી હાર મળી હતી. T20 વર્લ્ડ કપ જીત્યા પછી લગભગ ત્રણ વર્ષમાં આ ટીમની પ્રથમ T20I સિરીઝ હાર હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારત 5 મેચની T20I સિરીઝ 0-4થી હારી ગયું હતું અને વન-ડે સિરીઝ પણ 1-2થી ગુમાવી હતી.
BCCI સેક્રેટરી દેવાજીત સૈકિયાએ આ પરિણામો બાદ ટીમના પ્રદર્શનની સમીક્ષાની વાત કરી હતી. હવે આ બેઠક બોલાવવામાં આવી છે.
બેઠકમાં ખેલાડીઓની ઈજા અને CoEની ભૂમિકા પર પણ ચર્ચા થશે. રિપોર્ટ અનુસાર, ખેલાડીઓ, CoE અને પસંદગી સમિતિ વચ્ચેના સંચારને લઈને સવાલો ઉભા થયા છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ફિટ ન હોવાની જાણકારી પસંદગી સમિતિને સમયસર મળી ન હતી. વોશિંગ્ટન સુંદરની ઈજા અને સાઈ સુદર્શનની રિકવરીમાં અપેક્ષા કરતાં વધુ સમય લાગવા પર પણ ચર્ચા થશે. બુમરાહ શ્રીલંકા પ્રવાસની ટીમમાં સામેલ હતો, પરંતુ ફિટનેસ ક્લિયરન્સ ન મળવાને કારણે તેને બહાર થવું પડ્યું હતું.
IPLના વર્કલોડની ખેલાડીઓની ફિટનેસ પર અસર પણ બેઠકનો મુખ્ય મુદ્દો હશે. અફઘાનિસ્તાન સામેની T20I સિરીઝ માટે પસંદ કરાયેલા જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી અને હર્ષિત રાણાની ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર છે. આ ચારેય ખેલાડીઓનો 9 સપ્ટેમ્બરે ફિટનેસ ટેસ્ટ થશે. ન્યૂઝીલેન્ડ પ્રવાસને ધ્યાનમાં રાખીને BCCI ઝડપી બોલરોના પૂલને ફિટ રાખવા અને ઈજાની સમસ્યા ઘટાડવાના ઉપાયો પર પણ ચર્ચા કરશે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ અને રિકવરી પર પણ બેઠકમાં ચર્ચા થશે. પસંદગી સમિતિ તેને 2027ના વન-ડે વર્લ્ડ કપ માટે ટીમમાં જોવા માગે છે. હાલમાં હાર્દિક વન-ડેમાં 5-6 ઓવરથી વધુ બોલિંગ કરી શકતો નથી. BCCI અને ટીમ મેનેજમેન્ટ તેની ફિટનેસ લાંબા સમય સુધી જાળવી રાખવાની યોજના પર ચર્ચા કરશે.