ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડે શ્રેણી શરૂ થવાના એક દિવસ પહેલાં મોટી જાહેરાત કરી છે. બોર્ડે મુથૂટ ફિનકોર્પ લિમિટેડને ભારતીય ક્રિકેટ ટીમનું નવું ટાઇટલ સ્પોન્સર બનાવ્યું છે. આ ભાગીદારી વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વનડે મેચથી શરૂ થશે અને માર્ચ 2028 સુધી ચાલુ રહેશે.
કરાર હેઠળ ભારતમાં રમાતી તમામ દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય શ્રેણીઓ, ટુર્નામેન્ટ્સ અને BCCIની ઘરેલુ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. જેમાં રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જેવી ટુર્નામેન્ટનો પણ સમાવેશ થાય છે. બોર્ડે જણાવ્યું કે મુથૂટ ફિનકોર્પનો વાદળી રંગ ભારતીય ટીમના 'મેન ઇન બ્લુ' અને 'વિમેન્સ ઇન બ્લુ' સાથે મેળ ખાય છે.
BCCI પ્રમુખ મિથુન મન્હાસે કહ્યું, "મુથૂટ ફિનકોર્પનું ટાઇટલ સ્પોન્સર તરીકે સ્વાગત છે. આ ભાગીદારી ભારતીય ક્રિકેટની વૈશ્વિક તાકાત અને દેશભરના કરોડો ચાહકો સાથેના જોડાણને દર્શાવે છે. બંને બ્રાન્ડ વચ્ચે કુદરતી સંબંધ છે."
BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું, "મુથૂટ ફિનકોર્પ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાવું ગર્વની વાત છે. આ સહયોગથી અમે ઉભરતા ખેલાડીઓને તકો અને ચાહકો સુધી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ક્રિકેટ પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ."
આ કરારથી ભારતીય ક્રિકેટને નાણાકીય સ્થિરતા મળશે. માર્ચ 2028 સુધી ચાલનારી આ ભાગીદારીમાં ખેલાડીઓની જર્સી અને સ્ટેડિયમમાં મુથૂટ ફિનકોર્પની બ્રાન્ડિંગ જોવા મળશે.