ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શુક્રવારે પૂર્વ ભારતીય ઝડપી બોલર પરવિંદર અવાનાને જુનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. ક્રિકેટ એડવાઇઝરી કમિટીએ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના નામની ભલામણ કરી હતી.
અવાના ઉપરાંત સમિતિમાં અન્ય ત્રણ સભ્યોની પણ નિયુક્તિ કરવામાં આવી છે. પાંચમા સભ્યની પસંદગી ટૂંક સમયમાં કરવામાં આવશે.
અવાનાને અધ્યક્ષ બનાવવા પાછળનું કારણ
અવાનાને કોચિંગ અને ટીમ મેનેજમેન્ટ સાથે કામ કરવાનો અનુભવ છે. તેમણે દિલ્હીની અંડર-16, અંડર-19 અને અંડર-23 ટીમો સાથે કામ કર્યું છે. આ ઉપરાંત તેઓ ભારતની અંડર-19 ટીમ અને BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સ (COE)ના હાઈ-પરફોર્મન્સ પ્રોગ્રામનો ભાગ રહી ચૂક્યા છે.
ખેલાડી તરીકે પણ અવાના દેશના સ્થાનિક ક્રિકેટને સારી રીતે સમજે છે. તેમણે 62 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 191 વિકેટ લીધી છે. સ્થાનિક ક્રિકેટમાં તેઓ દિલ્હી, ઇન્ડિયા-A અને રેસ્ટ ઑફ ઇન્ડિયા તરફથી રમ્યા છે. IPLમાં તેઓ કિંગ્સ ઇલેવન પંજાબ (હાલ પંજાબ કિંગ્સ) તરફથી રમ્યા હતા. જોકે ભારત માટે તેમણે માત્ર બે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
IPLની 2012, 2013 અને 2014ની સીઝન મળીને અવાનાએ પંજાબ માટે 33 મેચ રમીને 39 વિકેટ લીધી હતી.
સમિતિમાં નિયુક્ત થયેલા અન્ય ત્રણ સભ્યો
કૃષ્ણા દાસ: આસામ અને ગોવા તરફથી રમનારા ભૂતપૂર્વ ઝડપી બોલર દાસે 49 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 166 વિકેટ લીધી છે. તેઓ ભારતની અંડર-19 અને ઇન્ડિયા-A ટીમનો ભાગ રહ્યા છે. બાદમાં તેમણે ભારત અંડર-19ના બોલિંગ કોચ અને ઉત્તરાખંડની રણજી ટીમના બોલિંગ કોચની જવાબદારી સંભાળી હતી.
રાકેશ પટેલ: ગુજરાત અને બરોડા તરફથી રમનારા પટેલ ઇન્ડિયા-A ઉપરાંત દુલીપ ટ્રોફી, દેવધર ટ્રોફી અને ઈરાની ટ્રોફીમાં પણ રમી ચૂક્યા છે. તેમણે ગુજરાત અને બરોડાની અંડર-19, અંડર-23 અને સિનિયર ટીમો સાથે કોચ તરીકે કામ કર્યું છે. 2025-26ની સીઝનમાં તેઓ બરોડા અંડર-23 ટીમના હેડ કોચ હતા.
અર્જુન યાદવ: હૈદરાબાદના ભૂતપૂર્વ ખેલાડી અર્જુન યાદવે કારકિર્દીમાં 83 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. તેઓ 2000માં અંડર-19 વિશ્વ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતા. નિવૃત્તિ બાદ તેમણે હૈદરાબાદની સિનિયર અને અંડર-23 ટીમોના હેડ કોચની ભૂમિકા નિભાવી છે. તેઓ 2022થી BCCI મેચ રેફરી તરીકે પણ કામ કરી રહ્યા છે.