સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચને કારણે IPL રિટેન્શનની તારીખ બદલાઈ, હવે 17 નવેમ્બર સુધી મોકળાશ

ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચને કારણે IPL રિટેન્શનની તારીખ બદલાઈ, હવે 17 નવેમ્બર સુધી મોકળાશ

આઈપીએલ 2027ની મિની ઓક્શન પહેલાં બીસીસીઆઈએ મોટો નિર્ણય લીધો છે. બોર્ડે તમામ ફ્રેન્ચાઇઝી ટીમોને ખેલાડીઓને રિટેન અને રિલિઝ કરવાની અંતિમ તારીખ 15 નવેમ્બરથી લંબાવીને 17 નવેમ્બર કરી છે. આ નિર્ણય ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે રમાનારી પાંચમી અને અંતિમ વનડે મેચને ધ્યાનમાં રાખીને લેવાયો છે. આ મેચ ઓવલ મેદાન પર રમાશે. મેચ પૂરી થયા પછી ટીમોને ખેલાડીઓનું મૂલ્યાંકન કરવા માટે પૂરતો સમય મળે તે હેતુથી આ બે દિવસની વધારાની મુદત આપવામાં આવી છે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ 2 નવેમ્બરે તમામ ફ્રેન્ચાઇઝીઓને સંદેશો મોકલીને નવી ડેડલાઇનની જાણ કરી દીધી છે. જોકે, 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારી મિની ઓક્શનની તારીખ અને સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રસપ્રદ વાત એ છે કે જે દિવસે હરાજી યોજાવાની છે તે જ દિવસે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડે મેચ રમાશે. તેમ છતાં બોર્ડે હરાજીની તારીખ બદલવાનો કોઈ સંકેત આપ્યો નથી.

બીસીસીઆઈએ મિની ઓક્શન સુધીની સમગ્ર સમયમર્યાદા પણ સ્પષ્ટ કરી છે. ખેલાડીઓ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 2 નવેમ્બરથી શરૂ થઈ ચૂકી છે, જે 23 નવેમ્બર સુધી ચાલુ રહેશે. દરમિયાન તમામ ફ્રેન્ચાઇઝીઓએ 17 નવેમ્બર સુધીમાં પોતાના રિટેન અને રિલિઝ કરાયેલા ખેલાડીઓની યાદી સોંપવાની રહેશે. આ પછી 1 ડિસેમ્બર સુધીમાં ટીમોએ ઓક્શન માટે પોતાની પસંદગીના ખેલાડીઓની અંતિમ યાદી આપવાની રહેશે. બોર્ડ 3 ડિસેમ્બરે ખેલાડીઓના સેટ સાથેનું ફાઇનલ ઓક્શન રજિસ્ટર બહાર પાડશે અને આખરે 16 ડિસેમ્બરે ગોવામાં ખેલાડીઓની હરાજી યોજાશે.